
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત દેશના વિભિન્ન રાજ્યોમાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત, ગુજરાતમાં આવતીકાલ શુક્રવારે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે. ગુજરાતમાં ગત 27 ઓક્ટોબર 2025થી શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના ગણતરીના તબક્કાની સમયમર્યાદા પાછળથી વધારીને14 ડિસેમ્બર સુધી કરવામાં આવી હતી. ગુજરાતમાં મતદારયાદીમા મતદાતાઓની ગણતરીના તબક્કાની 100 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં, છેલ્લે યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં 5 કરોડ 8 લાખ મતદારો નોંધાયેલા હતા. જે તમામ મતદારોને ગણતરીના ફોર્મનું વિતરણ બૂથ લેવલ ઓફિસર ( BLO ) મારફતે કરવામાં આવ્યું હતું. આ 5.08 કરોડ મતદારો પૈકી 4.34 કરોડ મતદારોએ તેમના ગણતરી ફોર્મ BLOને પરત કર્યા છે. વિવિધ વિધાનસભા બેઠક અંતર્ગત તમામ BLO તેમને સોપાયેલા તમામ ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરી દીધુ છે. જો કે હજુ સુધી 44.45 લાખ જેટલા મતદારોનું મેપીંગ થયું નથી.
મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશની ગણતરીના તબક્કાના છેલ્લા ચરણ સુધીમાં ધ્યાને આવ્યું છે કે, મતદારયાદીમાં નોંધાયેલા મતદારોમાંથી 18,07,277 અવસાન પામેલ મતદારોના નામ મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 9,69,813 મતદારો તેમના સરનામે જ્યારે બૂથ લેવલ ઓફિસર ફોર્મ આપવા ગયા ત્યારે તેઓ ગેરહાજર જોવા મળ્યા હતા. આ ઉપરાંત મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ દરમિયાન જ્યારે બીએલઓ ફોર્મ વિતરણ કરતા હતા ત્યારે એવુ પણ સામે આવ્યું કે, 40,26,010 વધુ મતદારો તેમણે દર્શાવેલા સરનામેથી કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 3,81,534 મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું છે.
ગુજરાતમાં 182 વિધાનસભા ક્ષેત્રમાં બૂથ લેવલ ઓફિસરે મતદારયાદી ખાસ સુધારણા ઝુંબેશ પૂર્ણ કરી છે ત્યારે આવતીકાલ શુક્રવારને 19મી ડિસેમ્બરના રોજ, ડ્રાફ્ટ મતદારયાદી જાહેર કરવામાં આવશે. આ મતદારયાદી સંબંધે જેમને કોઈ વાંધા વિરોધ હોય તેઓ તા.19-12-2025 થી તા.18-01-2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાત ખાતેના પ્રતિનિધિ મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. આ મતદાર યાદીમાં જે કોઈ મતદારનું નામ ના હોય તેઓ તેમના નામ જરૂરી પુરાવાઓ આપીને મતદાર યાદીમાં દાખલ કરાવી શકશે. આ માટે તેમણે ફોર્મ નં.6 ભરીને જરૂરી પુરાવાઓ આપવાના રહેશે.
જ્યારે મતદાર યાદી ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ અંતર્ગત બૂથ લેવલ ઓફિસર (BLO) તમારા નિવાસસ્થાને આવ્યા હોય અને તમારો કોઈ કારણસર સંપર્ક ના થઈ શક્યો હોય અને ડ્રાફ્ટ મતદારયાદીમાં નામ ના હોય તો, મતદારો ફોર્મ નં 6 ભરીને મતદારયાદીમાં નામ સામેલ કરાવી શકે છે. એ જ રીતે, જૂના સરનામેથી કાયમી સ્થળાંતરિત થયું હોય અથવા મતદારયાદીમાં નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરાવવાનો હોય તેવા મતદારો ફોર્મ નં 8 ભરીને તેમના વિસ્તારના BLOને આપી શકે છે.
Published On - 1:44 pm, Thu, 18 December 25