Dholka public protest – Breaking News : ધોળકામાં દુષિત પાણી મુદ્દે ખેડૂતો-સ્થાનિકોએ બતાવ્યુ પાણી, કાળા વાવટા ફરકાવી ભાજપના ધારાસભ્ય-સાંસદની બોલાવી હાય-હાય

ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી કેમિકલયુક્ત પાણીના કારણે વિસ્તારમાં ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, 10 હજાર એકરથી વધુ જમીનને અસર થઈ છે, જેના કારણે ખેતી અને ખેડૂતોની આજીવિકા પર અસર પડી રહી છે. આંદોલનકર્તાઓએ, ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અને ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ વિરુદ્ધ ‘હાય હાય’ના નારા પણ લગાવ્યા હતા. 

Dholka public protest – Breaking News : ધોળકામાં દુષિત પાણી મુદ્દે ખેડૂતો-સ્થાનિકોએ બતાવ્યુ પાણી, કાળા વાવટા ફરકાવી ભાજપના ધારાસભ્ય-સાંસદની બોલાવી હાય-હાય
| Updated on: Sep 24, 2026 | 2:37 PM

અમદાવાદ જિલ્લાના ધોળકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. છેલ્લા 30થી વધુ દિવસથી ભેટાવાડા ગામે ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે આજે પાંચ ગામોમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જોકે, ધોળકામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને મોટા ભાગનું બજાર રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું.

પાંચ ગામોના ખેડૂતો ટ્રેક્ટરો સાથે રેલીમાં જોડાયા

ભેટાવાડા, અંબારેલી, નેસડા, ત્રાસદ અને પીસાવાડા ગામના ખેડૂતો ટ્રેક્ટરો સાથે ધોળકા APMC ચોકડી ખાતે એકઠા થયા હતા. ત્યારબાદ ખેડૂતો દ્વારા પ્રાંત કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલી જૂના શાક માર્કેટથી આગળ વધીને મધીયા બાપા સીતારામ મંદિર થઈ ધોળકા બજાર તરફ પહોંચી હતી.

આ રેલીમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનો અને ખેડૂતો જોડાયા હતા. ખેડૂતો દ્વારા દૂષિત અને કેમિકલયુક્ત પાણીના પ્રશ્ને સરકાર અને તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રેલી બાદ પ્રાંત કચેરીનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

સ્થાનિક મહિલાઓએ કાળા વાવટા બતાવી વિરોધ કર્યો

ખેડૂતોની રેલી દરમિયાન સ્થાનિક મહિલાઓ દ્વારા કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. કાળા વાવટા ફરકાવતી કેટલીક મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી. જેના પગલે સ્થળ પર થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી હતી.

10 હજાર એકરથી વધુ જમીનને નુકસાન થયાનો ખેડૂતોનો આક્ષેપ

ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી કેમિકલયુક્ત પાણીના કારણે વિસ્તારમાં ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, 10 હજાર એકરથી વધુ જમીનને અસર થઈ છે, જેના કારણે ખેતી અને ખેડૂતોની આજીવિકા પર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા દૂષિત પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય ન્યાય અને રાહત આપવાની માંગ કરવામાં આવી રહી છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

આંદોલન અને રેલીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ધોળકા APMC ચોકડી તેમજ ત્રાસદ ચોકડી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ વિરુદ્ધ ‘હાય હાય’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

Breaking News : અમદાવાદને ₹584 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે વાડજ બ્રિજનું કર્યું લોકાર્પણ! જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.