ધોલેરા નજીક ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, વણિતળાવ ગામનો સંપર્ક તૂટ્યો, NDRF અને પોલીસે કર્યું રેસ્ક્યુ ઓપરેશન

ધોલેરા ઉપરાંત બાવળા તાલુકાના ધિંગડા ગામમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. અહીં પણ NDRFની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે.

ધોલેરા નજીક ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, વણિતળાવ ગામનો સંપર્ક તૂટ્યો, NDRF અને પોલીસે કર્યું રેસ્ક્યુ ઓપરેશન
| Updated on: Jul 27, 2026 | 4:44 PM

રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અમદાવાદ જિલ્લાના ધોલેરા વિસ્તારની સ્થિતિ વધુ ગંભીર બની છે. ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધતા વણિતળાવ ગામનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે અને ગામ ટાપુ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને NDRFની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે.

મળતી માહિતી મુજબ, ગામમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. બચાવ કામગીરી દરમિયાન બોટ અને અન્ય જરૂરી સાધનોની મદદથી લોકોને સલામત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યા છે.

બીજી તરફ, આનંદપુર-બુરાનપુર એપ્રોચ રોડ પર પાણી ફરી વળતાં માર્ગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. પ્રશાસને લોકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે અને વૈકલ્પિક માર્ગો અપનાવવા સૂચના આપી છે.

ધોલેરા ઉપરાંત બાવળા તાલુકાના ધિંગડા ગામમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. અહીં પણ NDRFની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે.

જિલ્લા પોલીસ દ્વારા જોખમી વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા તથા અનાવશ્યક બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

અધિકારીઓએ લોકોને ખાસ કરીને બંધ કરાયેલા માર્ગો પર વાહન લઈને ન જવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં પ્રવેશ ન કરવા અને માત્ર જિલ્લા તંત્ર તથા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવાની વિનંતી કરી છે.

સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ બચાવ દળોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. આગામી કલાકોમાં વરસાદ ચાલુ રહે તો અસરગ્રસ્ત વિસ્તારોમાં વધુ સાવચેતીના પગલાં લેવામાં આવી શકે છે.

Breaking News : ગુજરાતમાં ભારે વરસાદની તારાજી વચ્ચે કેબિનેટ બેઠકને લઈ મોટો નિર્ણય, મંત્રીઓને મેદાનમાં ઉતરવા મુખ્યમંત્રીનું સૂચન

Follow Us