દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જીલ્લાના દ્વારકા તાલુકામાં ઓખા (Okha) નજીક બેટ દ્વારકા ટાપુમાં સુપ્રસિધ્ધ દાંડી હનુમાનનુ મંદિર આવેલુ છે. બેટદ્વારકા જવા માટે એક માત્ર બોટની સફર કરીને જ જવાય છે. પરંતુ ઓખાના સાહસિક યુવાને હનુમાન જયંતીના (Hanuman jayanti 2022) દિવસે અંદાજે 5 કિમીથી વધુનુ અંતર તરીને પાર કર્યુ છે. બાદમાં અંદાજે 7 કિમી ચાલીને હનુમાન દાંડી મંદિરે હનુમાન જયંતીના દિવસે દર્શન કરી પોતાની સાહસિકતા સાથે આસ્થા વ્યકત કરી છે. આ યુવાને 2018થી અત્યાર સુધીમાં ચોથી વખત આ આકરી સફર પૂર્ણ કરી છે.
ઓખા ગામના વતની રાજુ સુમણિયા વ્યવસાયે સ્કૂબા ડાઈવર છે. તેથી તેણે ઓખાથી બેટ-દ્વારકા સુધી રાજુ સુમણિયા તરીને દરીયો પાર કર્યો. 39 વર્ષીય સાહસિક યુવાન રાજુ સુમણિયાએ હનુમાન જયંતિના દિવસે ચોથી વખત પોતાની સાહસિકતા સાથે આસ્થા વ્યકત કરી. આશરે સાડા પાંચથી 6 કિમીનુ અંતર કાપતા તેમને સવા કલાકનો સમય લાગ્યો. બાદમાં બેટ દ્વારકા જેટીથી હનુમાનદાંડી મંદિર સુધી આશરે 7 કિમીનુ અંતર તેમણે ચાલીને પૂર્ણ કર્યુ અને હનુમાન દાંડીમાં હનુમાન જયંતીના દિવસે દર્શન કરી પોતાની આસ્થા વ્યકત કરી હતી.
પોતાના અનુભવ વિશે જણાવતા રાજુ સુમણિયાએ કહ્યુ કે, ”બેટ દ્વારકાના દરિયામાં વધુ કરંટ હોવાથી તરવુ પડકારદાયક બને છે. વધુ પવનના કારણે દરીયામાં સામા પ્રવાહે તરવુ મારા માટે વધુ મુશ્કેલ બન્યુ હતુ. દરિયામાં કરંટ અને પવનના કારણે શરીરની બમણી શક્તિ લગાવવી પડી.” સામાન્ય રીતે આ વિસ્તારમાં ઓખાથી બેટ દ્વારકા સુધીનુ તરણ ખુબ ઓછા લોકો પૂર્ણ કરી શકે છે. જો કે હનુમાનજી પર વિશેષ આસ્થા હોવાથી રાજુ સુમણિયાએ આ સાહસિકતા ભર્યુ કાર્ય આસ્થા સાથે પૂર્ણ કર્યુ છે.
રાજુ સુમણિયાએ પ્રથમ વખત 2018માં તરીને આ પ્રકારની સફર હનુમાન જયંતીના દિવસે જ પૂર્ણ કરી હતી. બાદમાં દર વર્ષે હનુમાન જયંતીના દિવસે આ પ્રકારે સાહસિકતાની સફર ખેડે છે. પરંતુ 2020માં કોરોનાના કારણે આ સફર પર રોક આવી હતી. ફરી બે વર્ષથી સતત આ પ્રકારની સફર રાજુ સુમણીયા પૂર્ણ કરી રહ્યા છે. જો કે આ વર્ષે સલામતીના ભાગરૂપે તેમના મિત્રો બોટમાં તેમની સાથે રહ્યા હતા. બેટ દ્નારકાથી પરત ફરતા ઓખાના રોકડીયા હનુમાનના પણ તેમણે દર્શન કર્યા હતા. ત્યાં રોકડીયા હનુમાન મંદિર ગ્રુપ દ્વારા સાહસિકતા ભર્યા સફર બદલ યુવાનનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
Published On - 8:46 am, Sun, 17 April 22