આસ્થાના નામે છેતરપિંડીની. જો તમે દ્વારકાધિશના દર્શન માટે જઈ રહ્યા હોય તો સાવચેત રહેજો. દ્વારકાધીશના VIP દર્શનના નામે ઓનલાઇન છેતરપિંડીનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દેશ અને દુનિયામાંથી લાખો ભક્તો જગતમંદિર દ્વારકા આવે છે. પરિણામે દ્વારકામાં બારેમાસ એટલી ભીડ રહે છે કે દ્વારકાધીશના દર્શન માટે ભક્તોએ કલાકો સુધી કતારમાં ઉભું રહેવું પડે છે. પરંતુ ભક્તોની આજ હાલાકીનો ફાયદો ઉઠાવવા માટે ઠગ ટોળકી સક્રિય થઈ છે, જેનાથી આપ સહુએ પણ સાવચેત રહેવાની જરૂર છે.
હરિઓમ આ નામની એક એન્ડ્રોઇડ એપ્લિકેશન દેશભરના 32 તીર્થસ્થાનોમાં VIP દર્શનની સુવિધા પૂરી પાડવાનો દાવો કરી રહી છે. જેમાં દ્વારકા અને બેટ દ્વારકાના નામ પણ સામેલ છે. બંને જગ્યાએ ઊંચા દરે VIP દર્શનનો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. હરિઓમ એપ્લિકેશનમાં દ્વારકાધીશ મંદિરમાં વ્યક્તિદીઠ 800 અને બે દ્વારકાધીશ મંદિરમાં વ્યક્તિદીઠ 501 રૂપિયાનો ચાર્જ તત્કાલ દર્શન માટે વસૂલવામાં આવી રહ્યો છે.
અહીં સૌથી મહત્વપૂર્ણ અને ચોંકાવનારી બાબત તો એ છે કે દ્વારકામાં VIP દર્શનની કોઈ સુવિધા જ નથી. દરેક ભક્ત તેમના ક્રમ પ્રમાણે દ્વારકાધીશના દર્શન કરી શકે છે. આ હરિઓમ એપ્લિકેશન વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે. અને તેમાં દિવસ તથા સમયના સ્લોટ સાથે VIP દર્શનની સુવિધા દર્શાવવામાં આવી રહી છે. એક જાગૃત નાગરિકે લેભાગુઓની આ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે
હરિઓમ વેબ અને એપનો પ્રતિનિધિથી પૈસા લઈને VIP દર્શન કરાવવાની ખાતરી આપી રહ્યો છે. પરંતુ સૌથી ગંભીર બાબત તો એ છે કે આ એપ્લિકેશન અંગે સંબંધિત તીર્થસ્થાનોના વહીવટીતંત્રને કોઈપણ પ્રકારની જાણકારી નથી. જેનો સીધો મતલબ એ છે કે આ એક અનધિકૃત પ્રવૃત્તિ હોઈ શકે છે અને એપ્લિકેશન સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
દ્વારકામાં આ મામલે ઉહાપોહ જાગ્યા બાદ એપમાં ઉપલબ્ધ 32 ધાર્મિક સ્થળોની યાદીમાંથી દ્વારકાનું નામ હટાવી દેવામાં આવ્યું છે અને આ બાબત પણ એપ્લિકેશનની વિશ્વસનીયતા પર શંકા ઉભી કરે છે. જો ખરેખર આ એપ્લિકેશન દ્વારા ચાર્જ લેવાતો હોય તો વ્યક્તિદીઠ વસૂલવામાં આવતી 800 જેવી મોટી રકમ કોના ખિસ્સામાં જાય છે, તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે.