
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગેસવા ગામેથી એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ વીડિયોમાં ભાજપના ઉમેદવાર સુમન ડામોરના પતિ મુકેશ ડામોર મતદારોને રોકડ રકમ વહેંચી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં મુકેશ ડામોર લોકોને પૈસા આપતા જોવા મળી રહ્યા છે, અને દાવો કરવામાં આવી રહ્યો છે કે ગ્રામજનોએ પૈસા લેવાની ના પાડી હોવા છતાં તેમણે પૈસા આપવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભાજપના આગેવાનો વિરુદ્ધ વિકાસના કામોને લઈને રોષ પણ પ્રવર્તી રહ્યો છે.
વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉભા થયા હતા, ત્યારે સમગ્ર મામલે મુકેશ ડામોરે ખુલાસો કર્યો છે. મુકેશ ડામોરના કહેવા મુજબ, તેમણે કોઈપણ મતદાતાને પૈસા આપ્યા નથી. તેમનો દાવો છે કે તેઓ માત્ર ભાજપની પ્રચાર પત્રિકાઓ અને ચૂંટણી સાહિત્યનું વિતરણ કરી રહ્યા હતા. મુકેશ ડામોરે જણાવ્યું કે, “અમે અમારી સાહિત્ય અને અમારી જે પત્રિકા છે, એ અમે અમારા ભાઈઓને આપતા હતા. એ ના પાડ્યું એટલે સીધા અમે અમારી બહેનોને અમે પત્રિકા આપીએ છીએ.” તેમણે આક્ષેપ કર્યો છે કે આ વીડિયોને એડિટ કરીને તેમને રાજકીય રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વધુમાં, મુકેશ ડામોરે ગ્રામજનોના એક મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ગ્રામજનોને પંચાયત વિભાજનનો પ્રશ્ન હતો. તેમણે કહ્યું કે, “અમે કીધું ભાઈ તમને ઠરાવ કરી આપીશું, પણ ખરેખર ગ્રામ પંચાયત જેસવા જ છે. વિભાજન તો મગાની સર કરી શકે.” તેમના મતે, ગ્રામજનોની આ રજૂઆત ખોટી હતી અને તેમને સોશિયલ મીડિયા દ્વારા ખરેખર બદનામ કરવામાં આવી રહ્યા છે.
આ વીડિયોની સત્યતા અંગે ટીવીનાઈન ગુજરાતી હાલમાં કોઈ પુષ્ટિ કરતું નથી. સમગ્ર મામલો રાજકીય રીતે સંવેદનશીલ હોવાથી, વીડિયોની ખરાઈ અને તેની પાછળના ઈરાદા અંગે તપાસ થવી જરૂરી છે.
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video