Smart City Dahod માં લોકો પાયાની સુવિધાથી વંચિત, 7-7 દિવસ સુધી પાણી ન મળતું હોવાની સ્થાનિકોની ફરિયાદ
કોરોના કાળમાં પાણીની અછત લોકો માટે મોટી સમસ્યા બનીને ઉભી છે. હાલમાં જ્યારે વધુ સાફ સફાઇ રાખવાની જરૂર છે તેવા સમયે પાણીની અછતના કારણે લોકો તકેદારી રાખી શકતા નથી.
દાહોદ સ્માર્ટ સિટી (Smart City Dahod) બન્યાને વર્ષો વિતી ગયા તેમછતાં હજી સુધી લોકો પાયાની જરૂરિયાતોથી પણ વંચિત છે. અહીં લોકોને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું. છેલ્લા સાત દિવસથી લોકો અહીં પીવાના પાણી માટે વલખાં મારી રહ્યાં છે. નામની સ્માર્ટ સીટીમાં પીવાનું પાણી તો નથી જ સાથે જ પ્રાથમિક સુવિધા જેવી તે ગટર અને રસ્તાઓ પણ નથી મળી રહ્યા. સ્થાનિકોને કેટલીક વાર રજૂઆત કરવા છતાં પણ આ વાતનું કોઇ સમાધાન ન થતા લોકો હાલ પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે.
દાહોદના વોર્ડ નંબર 1 અને 2 માં છેલ્લા 7 દિવસથી પાણી ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ છે. સાથે જ અહીં ગટરની સુવિધા પણ ન હોવાથી વારંવાર રસ્તા પર પાણી ભરાય છે. જેને કારણે ગંદકી થાય છે અને પરિણામે રોગચાળો ફાટી નીકળવાનો ભય રહે છે.
વોર્ડ નંબર 2 ની વાત કરીએ તો અહિંયા પાણીની સમસ્યા તો ઠીક પરંતુ પ્રાથમિક સુવિધા ગણાતા રસ્તા, ગટર પણ નથી. વારંવાર તંત્ર અને પાલિકાને રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈ પણ રજુઆતનું સમાધાન થયું નથી. દાહોદને કડાણાનું પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં સ્થાનિકોની ફરિયાદ છે કે તેમને 7-7 દિવસ સુધી પાણી નથી મળતું. પાલિકા અને તંત્ર દ્વારા કરોડોનો ખર્ચ તો કરવામાં આવ્યો પરંતુ તેનો કોઇ જ ફાયદો લોકો સુધી પહોંચી નથી રહ્યો.
હાલ કોરોના (Corona) કાળમાં પાણીની અછત લોકો માટે મોટી સમસ્યા બનીને ઉભી છે. હાલમાં જ્યારે વધુ સાફ સફાઇ રાખવાની જરૂર છે તેવા સમયે પાણીની અછતના કારણે લોકો તકેદારી નથી રાખી શકતા. એક તરફ સરકાર કહે છે કે વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવો, સફાઇ રાખો અને બીજી તરફ લોકો પાણી જેવી મૂળભૂત જરૂરિયાતોથી પણ વંચિત છે.