
છેલ્લા બે દિવસથી અરબી સમુદ્રમાં રહીને મજબૂત ચક્રાવાતમાં ફેરવાયેલા વાવાઝોડુ શક્તિ, ગુજરાતથી દૂર થઈને હવે ધીમે ધીમે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે આજે રવિવારે સવારે 5.30 કલાકે જાહેર કર્યા અનુસાર, શક્તિ વાવાઝોડુ ઓમાનના રાસ અલ અદથી 290 કિલોમીટર, ઓમાનના મસીરાહથી 360 કિલોમીટર, કરાચીથી દક્ષિણ પશ્ચિમ દિશામાં 650 કિલોમીટર અને ગુજરાતના દ્વારકા તેમજ નલિયાથી 720 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે.
અરબી સમુદ્રમાં રહેલ વાવાઝોડુ શક્તિની આસપાસ 110થી 120 કિલોમીટરની ઝડપે ચક્રાવાતની માફક પવન ફુંકાઈ રહ્યો છે. જેની ગતિ ક્યારેક વધીને 135 કિલોમીટરની થઈ રહી છે. હાલમાં શક્તિ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અવસ્થામાં છે. જે આજે 5 ઓક્ટોબરના રોજ બપોર બાદ નબળુ પડશે. જો કે, આ સમયે પણ શક્તિ વાવાઝાડાની આસપાસ 90થી 100 કિલોમીટરની ઝડપે ચક્રાવાતી પવન ફુંકાતો હશે.
આવતીકાલ સોમવાર 6 ઓક્ટોબરના રોજ વાવાઝોડુ શક્તિ, અરબી સમુદ્રમાં ઓમાન પાસેથી વળાંક લઈને પૂર્વ દિશામાં ગુજરાત અને પાકિસ્તાન તરફ આગળ ધપશે. જો કે આ સમયે તે ઘણુ નબળુ પડી ગયેલુ હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, ગુજરાત તરફ આગળ ધપતા સમયે શક્તિ વાવાઝોડાની આસપાસ ફુંકાઈ રહેલા ચક્રાવાતી પવનની ગતિ ઘટીને 70- 80 કિલોમીટરની હશે.
જો કે જ્યા સુધી વાવાઝોડુ અરબી સમુદ્રમાં છે ત્યા સુધી તેની તાકાતને સહેજ પણ ઓછી આંકવામાં આવતી નથી. શક્તિ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન ફુંકાવાની સાથેસાથે ઉચા મોજા ઉછળવાની સંભાવના છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિવિધ બંદરો ઉપર ભયસુચક સિગ્નલ લગાવવા માટે તાકીદ કરવામાં આવી છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 7 ઓક્ટોબર સુધી ચક્રાવાત શક્તિની અસર વતાઓછા અંશે જોવા મળશે. આ સમય દરમિયાન માછીમારોને દરિયા ના ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે. જો કે, શક્તિ વાવાઝોડાની અસર હેઠળ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને પાકિસ્તાન સ્થિત દરિયામાં પણ કંરટ જોવા મળશે.
આ પણ વાંચો: આજનું હવામાન :ગુજરાત પર તોળાઈ રહ્યું છે ‘શક્તિ’ વાવાઝોડાનું સંકટ ! આ શહેરોમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
Published On - 10:33 am, Sun, 5 October 25