Corona: ગુજરાતમાં કોવિડ કેસ વધુ હોઈ શકે છે, દરરોજ 1 લાખ સેલ્ફ ટેસ્ટ કીટ વેચાય છે
ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન (FGSCDA)ના મતે રાજ્યમાં સેલ્ફ ટેસ્ટ કરતી રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT) કીટનું પ્રતિદિન વેચાણ 1 લાખ જેટલું થાય છે, જેના કારણે જે લોકો ઘરે ટેસ્ટ કરે છે તેના પરિણામોની કોઈ નોંધણી થતી નથી
ગુજરાતમાં મંગળવારે ફરીથી દૈનિક 16,608 કોરોનાના કેસ નોંધાયા છે. ગુજરાતના ચાર મોટા શહેરોમાંથી ત્રણમાં કેસમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં 28 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે, જે છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ છે. ત્યારે રાજ્યમાં વધુ કેસ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
દરમિયાન, TOIના અહેવાલમાં નિષ્ણાતોએ ધ્યાન દોર્યું હતું કે કેસ વધુ હોઈ શકે છે કારણ કે ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન (FGSCDA)ના મતે રાજ્યમાં સેલ્ફ ટેસ્ટ કરતી રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT) કીટનું પ્રતિદિન વેચાણ 1 લાખ જેટલું થાય છે. જેના કારણે જે લોકો ઘરે ટેસ્ટ કરે છે તેના પરિણામોની કોઈ નોંધણી થતી નથી.
નિષ્ણાતોએ જણાવ્યું કે રાજ્ય સરકારના આંકડાઓ અનુસાર લગભગ 1 લાખથી 1.3 લાખના દૈનિક પરીક્ષણની કરવામાં આવે છે. જેમાંથી 10 ટકા જેટલા કેસ પોઝિટિવ આવી રહ્યા છે. આ પ્રમાણે ગણતરી કરવામાં આવે તો સેલ્ફ ટેસ્ટિંગમાં રાજ્યમાં દરરોજ લગભગ 10,000 કોવિડ કેસ હોઈ શકે છે.
FGSCDAના ચેરમેન અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઓછામાં ઓછા 25,000 કેમિસ્ટ અને મેડિકલ સ્ટોર્સ છે. આ દરેક સ્ટોર્સ દરરોજ ઓછામાં ઓછી સરેરાશ ચારથી પાંચ સેલ્કીફ ટેસ્ટ કીટ (self-test kits)નું વેચાણ કરે છે. છેલ્લા એક અથવા તેથી વધુ મહિનામાં આ સંખ્યામાં દોઢ ગણો વધારો થયો છે.
મેડકાર્ટના સ્થાપક અંકુર અગ્રવાલે જણાવ્યું હતું કે આ કિટ્સ ઘરે વાપરવા માટે અનુકૂળ છે. આ કિટ્સની ઉપલબ્ધતા વિશે વધતી જતી જાગરૂકતા સાથે, વધુ લોકો તેનો ઉપયોગ કરવા માટે ખરીદી કરી રહ્યા છે. અમારા 80થી વધુ સ્ટોર્સમાંથી દરેક પર દરરોજ લગભગ પાંચથી આઠ કિટ્સ વેચાય છે.
ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના કમિશનર એચજી કોશિયાએ જણાવ્યું કે અમુક લાઇસન્સ પ્રાપ્ત વિતરકોને આ કિટ્સ વેચવા માટે સત્તા આપવામાં આવે છે. તેને શેડ્યૂલ એચ હેઠળ વર્ગીકૃત કરવામાં આવી નથી જેથી તે ઓવર કાઉન્ટર પ્રોડક્ટ તરીકે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. જોકે, લોકોએ સમજવું જોઈએ કે આ કિટ્સ માત્ર 70% અસરકારક છે અને તેથી, ખોટા નેગેટિવ અથવા ખોટા પોઝિટિવ પણ તરફ દોરી શકે છે. જેમનામાં લક્ષણો હોય તેઓએ માત્ર નિયુક્ત લેબમાંથી જ RTPCR ટેસ્ટ કરવા જોઈએ.
આ પણ વાંચોઃ ધોરણ 1થી 8ની સ્કૂલો શરૂ કરવા અંગે શું કહ્યું જીતુ વાઘાણીએ? જાણો સરકારની શું છે યોજના?
આ પણ વાંચોઃ Kutch: ભૂકંપ બાદ વેરાન રણ પ્રદેશથી વિકાસના રોલ મોડલ સુધીની જાણો રોમાચંક સફર!