રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે. AICCના સચિવ અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ દાવો કર્યો છે કે, વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે અરજી કરવામાં આવી છે. મકવાણાએ આક્ષેપ કર્યો છે કે, આ કોઈ સામાન્ય ભૂલ નથી પરંતુ ભાજપ દ્વારા રચવામાં આવેલું એક કાવતરું છે.
ઋત્વિક મકવાણાએ તંત્ર અને સરકાર પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, “જો શાહબુદ્દીન રાઠોડ જેવી જાણીતી હસ્તી સાથે આવું બની શકતું હોય, તો સામાન્ય અને નાના મતદારોની સ્થિતિ શું હશે? શું ભાજપ વિરોધી અવાજ કે તટસ્થ લોકોના મતાધિકાર છીનવી લેવા માંગે છે?” તેમણે આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ પોતે આ બાબતે સંજ્ઞાન લે તેવી માંગણી પણ કરી છે.
મતદાર યાદીમાંથી નામ કમી કરવાના મુદ્દે કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણાએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભાજપની અસલી માનસિકતા આ ઘટનાથી છતી થઈ ગઈ છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, હિતેશ રાઠોડ નામની કોઈ વ્યક્તિ દ્વારા ફોર્મ ભરીને મતદાર યાદીમાંથી નામ રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જો કે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી પાયાની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ નામ જ તદ્દન ખોટું છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું કે, અરજીના ફોર્મમાં હિતેશ રાઠોડ નામની વ્યક્તિ દ્વારા અરજી કરાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ બાબતે શંકા ઊભી થતાં કોંગ્રેસના સભ્યો દ્વારા ઇલેક્શન કમિશનની સ્થાનિક કચેરીમાં જઈ નામ અને મોબાઇલ નંબરની ખરાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન હિતેશ રાઠોડ નામની કોઈ વ્યક્તિ અસ્તિત્વમાં ન હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ, ફોર્મમાં દર્શાવાયેલ મોબાઇલ નંબર રાજકોટના મહેશ હદાણી નામના વ્યક્તિનો હોવાનું જાણવા મળ્યું છે. મહેશ હદાણીનો દાવો છે કે, તેઓ છેલ્લા 06 થી 07 વર્ષથી આ જ મોબાઇલ નંબર વાપરી રહ્યા છે. તેમ છતાંય, છેલ્લા બે દિવસથી તેમને રોજ 15 થી 20 જેટલા ફોન કોલ આવી રહ્યા છે, જેમાં લોકો તેમને હિતેશ રાઠોડ હોવાનું પુછપરછ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ક્યારેય થાનગઢ ગયા નથી અને આ સમગ્ર મામલે ખોટી માહિતીના આધારે તેમનું નામ જોડવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.
શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કઢાવવા અરજી થયાના મામલે કોંગ્રેસ દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા બાદ ભાજપ તરફથી સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો છે. ભાજપના નેતા અનિલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, કોંગ્રેસને રોજ નવા આક્ષેપો કરી ચર્ચામાં રહેવાની આદત પડી ગઈ છે.
તેમણે કહ્યું કે, ઋત્વિક મકવાણા પૂર્વ ધારાસભ્ય હોવાથી તેમને ચૂંટણી પ્રક્રિયાની સંપૂર્ણ જાણ હોવી જોઈએ. અનિલ પટેલે વધુમાં સ્પષ્ટ કર્યું કે, આઝાદી બાદના સમયમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા એક સરખી રહી છે અને તેમાં કોઈ બદલાવ નથી.
તેમણે જણાવ્યું કે, શાહબુદ્દીનના કેસમાં કોઈ વ્યક્તિ દ્વારા ફોર્મ-7 ભરીને અરજી કરવામાં આવી છે અને સ્પષ્ટ કર્યું કે, BLO દ્વારા સ્થળ નિરીક્ષણ તેમજ સંપૂર્ણ વેરિફિકેશન વિના કોઈ પણ મતદારનું નામ યાદીમાંથી રદ કરવામાં આવતું નથી.
Published On - 7:05 pm, Sat, 24 January 26