GANDHINAGAR : CM રૂપાણીનું મોટું નિવેદન,રાજ્યમાં સિંચાઈ માટે હાલ પાણી આપવામાં નહિ આવે

સીએમ રૂપાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છેકે હાલ રાજયમાં પ્રવર્તતી પાણીની અછતને પગલે સિંચાઇ માટે પાણી નહીં છોડવામાં આવે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આ નિવેદનથી રાજ્યના ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. વરસાદ ખેંચાતા રાજ્યના ખેડૂતો સરકાર પાસે સિંચાઈના પાણીની માગ કરી રહ્યાં હતા.

GANDHINAGAR : CM રૂપાણીનું મોટું નિવેદન,રાજ્યમાં  સિંચાઈ માટે હાલ પાણી આપવામાં નહિ આવે
cm rupani announce currently no water is provided for irrigation
| Edited By: | Updated on: Aug 28, 2021 | 1:44 PM

GANDHINAGAR :આજે 28 ઓગષ્ટના દિવસે ગુજરાત રાજ્ય અને ગુજરાતી સાહિત્ય જગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવી રહ્યું છે, ત્યારે આ અંગેના રાજ્ય સરકારના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સિંચાઈના પાણી અંગે મોટું નિવેદન આપ્યું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સિંચાઈ માટે પાણી છોડવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે હાલ રાજ્યમાં સિંચાઈ માટે પાણી આપવામાં નહિ આવે. માત્ર પીવાના પાણીની જ વાત કરવામાં આવશે અને પીવાના પાણીનો જ સંગ્રહ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આ નિવેદનથી રાજ્યના ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. વરસાદ ખેંચાતા રાજ્યના ખેડૂતો સરકાર પાસે સિંચાઈના પાણીની માગ કરી રહ્યાં હતા.

આ અગાઉ ઓગષ્ટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આવું નિવેદન આપ્યું હતું. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગોધરા ખાતે ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યના ડેમમોની સ્થિતિ અને પીવાના તથા સિંચાઈના પાણી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતના ડેમમાં ચાલુ વર્ષે 30 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી.નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે આ વર્ષે ખેતી ચોમાસાના પાણી પર જ નિર્ભર રહેશે.સરદાર સરોવર ડેમ સહિત મોટાભાગના ડેમનો જથ્થો પીવાના પાણી માટે રિઝર્વ રખાયો છે. જો હવામાન ખાતાની આગાહી પ્રમાણે અઠવાડિયામાં સારો વરસાદ થાય તો જ ખેતીને બચાવી શકાશે.

રાજ્યમાં આ વરસે મેઘરાજા રિસાયા છે. ગુજરાતનો ખેડૂત વરસાદી ખેતી પર આધાર રાખે છે.આ સ્થિતિમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ વરસાદની ઘટ. ખેડૂત ક્યાં જાય અને કોને ફરિયાદ કરે ? હવે સરકાર ખેડૂતોની વ્હારે આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા હતા અને સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યાં હતા. જો કે હવે મુખ્યપ્રધાન રૂપાણીના આ નિવેદન બાદ રાજ્યના તમામ ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે.

રાજ્યના ખેડૂતોને ચોમાસામાં કુદરતી આપત્તિથી થતાં પાક નુકસાન સામે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે ગત 2020 ના વર્ષમાં અમલમાં મૂકેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને ચાલુ વર્ષ 2021 માટે પણ મંજૂરી આપી છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ નાના-મોટા, સિમાંત ખેડૂતોને આવરી લેવાયા છે. સરકારની આ યોજનો લાભ રાજ્યના અંદાજે 53 લાખથી વધુ ખેડૂતોને મળવાપાત્ર છે.

વરસાદના ખેંચાવાના કારણે ખેડૂતોને ભારે નુકશાન પહોંચી રહ્યું છે જેને લઈ કિસાન સંધે ખેડૂતોને સહાય આપવા રાજ્ય સરકારને પત્ર લખ્યો છે.10 ઇંચ કરતા ઓછો વરસાદ હોય તેવા વિસ્તારમાં કીસાન સહાય યોજના અંતર્ગત લાભ આપવા માગ કરી છે. તો જે ડેમોમાં પીવાના પાણી સિવાયનો જથ્થો છે ત્યાં સમયપત્રક બનાવીને ખેતી માટે પાણી આપવા. તેમજ સંભવિત દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ઘાસચારાની વ્યવસ્થા કરવા સરકારને રજુઆત કરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે સિંચાઈનું પાણી ન આપવાની જાહેરાત કરનારી સરકાર ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ આપશે કે કેમ?

આ પણ વાંચો : GANDHINAGAR : ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં બનશે મ્યુઝીયમ, CM રૂપાણીએ કરી જાહેરાત

Published On - 1:05 pm, Sat, 28 August 21