
રાજ્યની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નેતૃત્વની પરંપરાને આગળ વધારતાં અને વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખી, ભારતના વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ ઇંધણ આધારિત ઊર્જા ક્ષમતાના લક્ષ્યાંકમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 જાહેર કરવામાં આવી રહી છે. આ પોલિસી સરળ અને એકીકૃત ફ્રેમવર્ક દ્વારા ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસને સુગમ બનાવવાનો, નવીન અને ઇમર્જિંગ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાનો, ગ્રીડની સ્થિરતા વધારવાનો, ગ્રીન ઉર્જા ક્ષેત્રે રોજગારી સર્જવાનો અને ઊર્જા સુરક્ષા, વ્યાજબી દરો તથા ટકાઉ આર્થિક વિકાસ સુનિશ્ચિત કરતાં ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રિન્યુએબલ એનર્જી હબ તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.
આ પોલિસીનો મુખ્ય આધારસ્તંભ મોટા પાયે રિન્યુએબલ એનર્જી એકીકરણ અને ગ્રીડ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) ને પ્રોત્સાહન અને એકીકરણ છે. સોલાર, વિન્ડ અને હાઈબ્રિડ પ્રોજેક્ટ્સ સાથે ગ્રીડ-કનેક્ટેડ તથા કો-લોકેટેડ BESS પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ટ્રાન્સમિશન સપોર્ટ, ગ્રીડ સહાયક સેવાઓ, ડિસ્ટ્રિબ્યુશન યુટિલિટીઝ અને અંતિમ ઉપભોક્તાઓ માટે BESS નો ઉપયોગનું આયોજન વિચારવામાં આવ્યુ છે. BESS સ્થાપન માટેના વ્યૂહાત્મક સ્થળો સ્ટેટ નોડલ એજન્સી (GEDA) દ્વારા GETCO, SLDC અને DISCOMs સાથે સંકલન કરીને નક્કી કરવામાં આવશે.
રિન્યુએબલ એનર્જી પોલિસી-2025 હેઠળ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે, મુખ્યત્વે કેપ્ટિવ અને થર્ડ પાર્ટી વેચાણના પ્રોજેક્ટ્સ માટે, કમિશનિંગ સમયમર્યાદામાં સુઘારાઓ માટે અનુકુળતા આપવામાં આવી છે. ઇવેક્યુએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની કમિશનિંગ સમયમર્યાદાઓ પ્રોજેક્ટ ક્ષમતાની જગ્યાએ વોલ્ટેજ લેવલના આધારે સુસંગત બનાવવામાં આવી છે. પ્રોજેક્ટ તથા ઇવેક્યુએશન લાઇનના કમિશનિંગ માટે વધારાનો સમય મંજૂર કરવામાં આવ્યો છે, જેના કારણે પ્રોજેક્ટ અમલીકરણ વધુ સુગમ થશે.
રિન્યુએબલ એનર્જી પોલિસી-2025 વિન્ડ રીપાવરિંગ અને રીફર્બિશમેન્ટ માટે નેશનલ રીપાવરિંગ પોલિસી સાથે સુસંગત રીતે સહાયક ફ્રેમવર્ક સ્થાપિત કરે છે. હાલના વિન્ડ ટર્બાઇન જનરેટર્સને ફરજિયાતપણે ડિસમૅન્ટલ કર્યા વિના રીપાવરિંગ અને રીફર્બિશમેન્ટની મંજૂરી આપવામાં આવી છે, તેમજ તેના માટે સમયમર્યાદા 24 મહિના સુધી લંબાવવામાં આવી છે. સહાયક પગલાંમાં રીપાવરિંગ સમયગાળા દરમિયાન હાલના PPAની અવધિમાં વિસ્તરણ, ટ્રાન્ઝિશન દરમિયાન વણવપરાયેલ ટ્રાન્સમિશન ક્ષમતા પર ટ્રાન્સમિશન ચાર્જીસમાં છૂટ, રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટી ક્ષમતા વધારા માટે પ્રાથમિકતા અને માઇક્રો-સાયટિંગ નિયમોમાં રાહત સામેલ છે.
રિન્યુએબલ એનર્જી પોલિસી-2025 ઓન-ડિમાન્ડ રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીની સુવિધા અક્ષય-ઉર્જા-સેતુ પોર્ટલ મારફતે સક્ષમ બનાવે છે તથા રિન્યુએબલ ઉર્જાની સમૃદ્ધતા ધરાવતા વિસ્તારોમાં નવા ટ્રાન્સમિશન યોજનાઓના વિકાસને ટેકો આપે છે. અગાઉની રિન્યુએબલ એનર્જી પોલિસીઓ હેઠળના પ્રોજેક્ટ્સ માટે માલિકી હસ્તાંતરણની મંજૂરી અને અગાઉની પોલીસી હેઠળ પૂર્વમંજૂર પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટેના સમયગાળાનું વિસ્તરણ જેવી જોગવાઈઓ દ્વારા સદર પોલિસી થકી સાતત્ય સુનિશ્ચિત કરવામાં આવેલ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો