છોટા ઉદેપુર : નાલેજ ગામમાં ડેમ પાણીથી છલોછલ, પણ અણઘડ વહીવટને કારણે ખેડૂતો સિંચાઇથી વંચિત
ડેમમાં અત્યારે 73.57 મિલિયન ક્યુબીક ફુટ એટલે કે 77 ટકા જેટલો પાણીનો ભરાવો છે. પરંતુ આ પાણી ખેડૂતોના ખેતરો સુધી જવાના બદલે કોતરોમાં વહી રહ્યું છે. સરકાર ખેડૂતોના ઉત્થાન માટે દાવાઓ તો કરે છે.
છોટાઉદેપુરના (Chhotaudepur) નાલેજ ગામે છલોછલ પાણીથી ભરાયેલો ડેમ હોવા છતાં પ્રશાસનના અણધડ વહીવટના કારણે ખેડૂતો (Farmers) સિંચાઈથી( irrigation) વંચિત છે. તૂટેલી કેનાલો અને જર્જરિત કૂવાઓમાંથી પાણીનો કોતરોમાં વેડફાટ થાય છે. જ્યારે ખેતીની જમીન પાણી (Water) વગર તરસી છે.
છોટાઉદેપુર જિલ્લા મથકથી માત્ર 5 કિલોમીટર અંતરે નાલેજ ગામે સિંચાઈ ડેમ આવેલો છે. સારા ચોમાસાના કારણે ડેમ તો છલોછલ પાણીથી ભરાયેલો છે. પરંતુ ખેડૂતોને તેનો કોઈ લાભ મળતો નથી. નાલેજ, પાધરવાંટ , ઓળીઆંબા અને સીમલફળિયા એમ ચાર ગામોના 326 હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે તે માટે વર્ષ 1978માં યોજના તો બનાવાઈ. પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રશાસનના ગેરવહીવટના કારણે હાલ ફક્ત બે જ ગામના 30 હેકટર સુધી જ પાણી પહોંચી રહ્યું છે.
કાચી કેનાલો અને પથ્થરથી બનાવેલા જર્જરિત કૂવાઓમાંથી પાણીનો મોટાપાયે વેડફાટ થઈ રહ્યો છે. તો યોગ્ય સમારકામના અભાવે આગળ સુધી કેનાલોમાં પાણી જતું નથી. જેને લઈ આદિવાસી ખેડૂતોને માત્ર ચોમાસાની ખેતી ઉપર જ નિર્ભર રહેવું પડે છે. ખેડૂતોનો આક્ષેપ છેકે અનેક વાર રજૂઆતો કરવા છતાં તેમના પ્રશ્નનો કોઈ હલ આવતો નથી.
ડેમમાં અત્યારે 73.57 મિલિયન ક્યુબીક ફુટ એટલે કે 77 ટકા જેટલો પાણીનો ભરાવો છે. પરંતુ આ પાણી ખેડૂતોના ખેતરો સુધી જવાના બદલે કોતરોમાં વહી રહ્યું છે. દસ વર્ષ અગાઉ આ ડેમ અને કેનાલો રીપેરીંગ માટે અંદાજીત 14 લાખનો ખર્ચ કરાયો હતો. જ્યારે દર વર્ષે ડિસિલટિંગ અને કેનાલો સાફ કરવા પાછળ પણ ખર્ચો કરાય છે. પરંતુ પાણીની સાથે લોકોના નાણાનો પણ વેડફાટ જ થાય છે. ખેડૂતોની માંગ છે કે વહેલી તકે કેનાલો પાકી બને અને ખેતરો સુધી પાણી પહોંચે.
છોટાઉદેપુર જિલ્લાના કેટલાક અંતરિયાળ અને ડુંગર વિસ્તારોમાં ચોમાસા બાદ જળસ્તર નીચે જતાં રહેતા હોય છે . શિયાળા અને ઉનાળામાં તો આ વિસ્તારના લોકો ખેતી કરી શકતા નથી . આ વિસ્તારના કેટલાક ખેડૂતો ફક્ત વરસાદ આધારિત જ ખેતી કરી શકે કે જેને લઈ આ પરિવારના લોકોનું ગુજરાન કરવું મુશ્કેલ બને છે. જેને લઈ આ વિસ્તારના કેટલાક ખેડૂતોને અહીથી અન્ય જગ્યાએ મજૂરી અર્થે પ્રસ્થાન કરવું પડે છે. જેને લઈ આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે જો ડેમનું પાણી મળતું થાય તો તેમણે પોતાનું માદરે વતન છોડવાનો વારો ના આવે અને તેમના જ વતનમાં ખેતી કરી શકાય.
આ પણ વાંચો : Reels ના રસિયાઓ માટે સારા સમાચાર! ફેસબુક આપી રહી છે લાખો રૂપિયા કમાવાની તક, જાણો કેવી રીતે ?