
અમદાવાદ શહેરના નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા કેનાલની લાઈનમાં સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીના કારણે આગામી 10 દિવસ સુધી અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠા પર અસર પડશે. ખાસ કરીને પશ્ચિમ, મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં પાણીનું વિતરણ પ્રભાવિત થવાનું છે.
અમદાવાદ શહેરને મુખ્યત્વે કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે નર્મદા કેનાલનું પાણી પૂરું પાડવામાં આવે છે. દરરોજ આશરે 1100 એમ.એલ.ડી (મિલિયન લિટર પ્રતિ દિવસ) પાણી શુદ્ધ કરી શહેરના લગભગ 170 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પહોંચાડવામાં આવે છે.
હાલ નર્મદા કેનાલમાં સમારકામ શરૂ થતાં પાણીના સ્તરમાં વધઘટ થશે. જેના કારણે કોતરપુર વોટર વર્ક્સ સુધી પહોંચતા પાણીના જથ્થામાં ઘટાડો થશે. અધિકારીઓના જણાવ્યા મુજબ પાણીના પુરવઠામાં આશરે 50 થી 60 એમ.એલ.ડી જેટલો ઘટાડો થઈ શકે છે.
પાણીના જથ્થામાં ઘટાડાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં 10 થી 15 ટકા સુધી ઓછું પાણી પહોંચે તેવી શક્યતા છે. ખાસ કરીને સવારે અને સાંજે પાણી આવવાના સમયગાળામાં દબાણ ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરિસ્થિતિને સંભાળવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોતરપુર વોટર વર્ક્સ ખાતે સ્ટેન્ડ બાય પમ્પ ચલાવી વધુ પાણી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. ઉપરાંત વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો પર આવેલા બોરવેલ પણ કાર્યરત રાખવામાં આવશે જેથી નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે.
મહાનગરપાલિકાએ નાગરિકોને પાણીનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. જરૂરી હોય તેટલું જ પાણી વાપરવું, પાણીનો બગાડ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી પાણી સંગ્રહ કરી રાખવાની સલાહ આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વહીવટી માળખા મુજબ, જે 5 ઝોનમાં પાણી કાપની અસર થવાની શક્યતા છે, તેમાં આવતા મુખ્ય વિસ્તારો (વોર્ડ) ની યાદી
શહેરના મોટાભાગના રહેણાંક વિસ્તારોમાં પાણીનું દબાણ ઓછું રહેવાની શક્યતા હોવાથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે અને બોરવેલ તેમજ વિકલ્પિક વ્યવસ્થાઓ દ્વારા પાણી પુરવઠો જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ગુજરાતમાં કુદરતનો અણધાર્યો ‘ખેલ’, માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો