
વડોદરામાં નવરાત્રિની શરૂઆત પહેલા જ ગરબાનો રંગ જામ્યો છે. શહેરના યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે 7 ઓક્ટોબરે 46,818 ખેલૈયાઓએ એકસાથે ગરબે ઘૂમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે વડોદરાએ પોતાના જ અગાઉના 30 હજાર ખેલૈયાઓના રેકોર્ડને તોડી નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ એકસાથે જોડાયા હતા. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે લઘુત્તમ 30 હજાર ખેલૈયાઓનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ વડોદરાના ખેલૈયાઓએ આ આંકડો પાર કરીને 46,818નો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ગરબા ગ્રાઉન્ડમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
આ વર્લ્ડ રેકોર્ડની સાથે આશરે 3 હજાર વિદ્યાર્થીઓએ ચાર અલગ-અલગ થીમ આધારિત વિશાળ કાપડના ગોળ પોસ્ટર સાથે ગરબાની વિશેષ પ્રસ્તુતિ કરી હતી. ખેલૈયાઓ સાથે વિદ્યાર્થીઓની આ રજૂઆતનો ડ્રોન નજારો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ચારેય થીમના વિશાળ પોસ્ટર સાથે ખેલૈયાઓએ ગરબે ઘૂમીને સામાજિક સંદેશ આપ્યો હતો.
પ્રથમ થીમમાં વડોદરાની ઓળખ સમાન વડના વૃક્ષને કેન્દ્રમાં રાખીને હેરિટેજ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો. બીજી થીમમાં ‘સ્વચ્છ વડોદરા, સ્વચ્છ ભારત’નો સંદેશ આપી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ત્રીજી થીમ ‘નારી શક્તિ’ પર આધારિત હતી, જેમાં નવરાત્રિમાં શક્તિની આરાધના અને વડોદરાની નારી શક્તિનો મહિમા દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે ચોથી થીમમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે વિકસિત વડોદરા અને વિકસિત ગુજરાતનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ગિનિસ એડજ્યુડિકેટરે જણાવ્યું હતું કે વર્લ્ડ રેકોર્ડ માટે લઘુત્તમ 30 હજારનો ટાર્ગેટ હતો, પરંતુ 46 હજારથી વધુ ખેલૈયાઓએ ગરબા રમીને આ આંકડો મોટા તફાવતથી પાર કર્યો છે. આ સિદ્ધિ બદલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરાના નાગરિકોને એનાયત કરવામાં આવ્યું હતું.
46,818 ખેલૈયાઓના એકસાથે ગરબાથી વડોદરાના યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં અદભુત દૃશ્ય સર્જાયું હતું. ચાર થીમ પર આધારિત રજૂઆત અને ડ્રોનથી જોવા મળેલો વિશાળ નજારો આ સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યો હતો. આ વર્લ્ડ રેકોર્ડ સાથે વડોદરાએ ફરી એકવાર પોતાની સાંસ્કૃતિક નગરી તરીકેની આગવી ઓળખને વિશ્વસ્તરે ઉજાગર કરી છે.
આ પણ વાંચો- Breaking News : બેગ કરી લેજો પેક, 9 ઓક્ટોબરથી કરી શકશો સિંહ દર્શન, જુઓ વીડિયો
Published On - 1:14 pm, Thu, 8 October 26