
દક્ષિણ ગુજરાતમાં બે-ત્રણ દિવસ સુધી સતત વરસેલા ભારે વરસાદથી, સુરત જિલ્લાના ખેડૂતો માટે ગંભીર સ્થિતિ ઊભી કરી છે. ખાસ કરીને કામરેજ, માંડવી, પલસાણા, મહુવા અને ઓલપાડ તાલુકામાં આવેલી 15થી વધુ મુખ્ય ખાડી પર થયેલા ગેરકાયદેસર દબાણો અને પુરાણોને કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલનો માર્ગ અટકી ગયો છે. પરિણામે ખાડીની આસપાસ આવેલ હજારો એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને ડાંગર તેમજ શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે.
ખેડૂત આગેવાનોએ રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે વિશેષ પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતાં ડાંગરનું ધરુ કોહવાઈ ગયું છે, શાકભાજીના પાક બરબાદ થયા છે અને અનેક વિસ્તારોમાં વાવણીનું કામ પણ સંપૂર્ણપણે અટકી ગયું છે. જો વહેલી તકે પાણીનો નિકાલ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં આવેલી ખાડીઓ વર્ષોથી ઔદ્યોગિકીકરણ, બિલ્ડરો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો અને પુરાણોના કારણે સાંકડી બની ગઈ છે. અને વર્ષોવર્ષ વધુ સાંકડી બનતી જાય છે. કેટલીક જગ્યાએ ખાડીઓના મુખ જ બંધ થઈ જતાં વરસાદી પાણી, નદી કે દરિયામાં પહોંચવાને બદલે સીધું આજુબાજુના ખેતરોમાં ફરી વળે છે. જેના કારણે પાંચ તાલુકામાં અનેક ગામોમાં ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે.
ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે, કેટલીક ખાડીઓમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાતા, ખેતરોના કુદરતી અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે. પરિણામે ખાડીઓની પાણી વહન કરવાની ક્ષમતા ઘટી ગઈ છે અને દર ચોમાસે ખેડૂતોને નુકસાન સહન કરવું પડે છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ઓલપાડ અને સાયણ વિસ્તાર સહિત અનેક ગામોમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ પાછળ પણ ખાડીઓની દુર્દશા મુખ્ય કારણ છે. વરસાદી પાણીનો નિકાલ અટકતાં ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેતાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે, જ્યારે શાકભાજીના પાક પણ નાશ પામ્યા છે.
ખેડૂત આગેવાનોએ રાજ્ય સરકાર અને મુખ્ય પ્રધાન સમક્ષ અનેક મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી છે. તેમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવું, ડાંગર અને શાકભાજીના બિયારણ પર સબસિડી આપવી અથવા ફરીથી મફત બિયારણ ઉપલબ્ધ કરાવવું, નુકસાનગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય આપવી તેમજ ખાડીઓને તેમના મૂળ સ્વરૂપમાં લાવવા માટે વિશેષ આયોજન કરવું જેવી માંગો સામેલ છે.