Breaking News : PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ નિમિત્તે ગુજરાતભરમાં 7 ઓક્ટોબરે યોજાશે ‘સેવા જ્યોત યાત્રા’
7 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના જાહેરસેવાના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે તેમના જાહેર જીવનના 25 વર્ષની કામગીરી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે 7 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને ‘વિકસિત ભારત @ 2047’નો સામૂહિક સંકલ્પ લેવડાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત 7 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતમાં ‘સેવા જ્યોત યાત્રા’ યોજાશે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના જાહેરસેવાના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે તેમના જાહેર જીવનના 25 વર્ષની કામગીરી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે દેશ અને ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચાલી રહ્યું છે.
સવારે 10 વાગ્યે વડાપ્રધાનનું સંબોધન
અભિયાન અંતર્ગત 7 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને ‘વિકસિત ભારત @ 2047’નો સામૂહિક સંકલ્પ લેવડાવશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. જ્યારે વાવ-થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. અન્ય જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો કાર્યક્રમમાં જોડાશે.
‘વિકસિત ભારત સંકલ્પ સભા’ બાદ ‘સેવા જ્યોત યાત્રા’
‘વિકસિત ભારત સંકલ્પ સભા’ પૂર્ણ થયા બાદ ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરોના નિર્ધારિત સ્થળોએ ‘સેવા જ્યોત યાત્રા’નો પ્રારંભ કરવામાં આવશે. આ પહેલાં વડાપ્રધાનના સંબોધનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ત્યારબાદ સ્થાનિક આગેવાનો દ્વારા ‘સેવા જ્યોતિ’ પ્રજ્વલિત કરીને યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે.
વડનગર અને વારાણસીમાં યાત્રાનું સમાપન
17 સપ્ટેમ્બરથી શરૂ થયેલી દેશવ્યાપી ‘સેવા સંકલ્પ યાત્રા’નું 7 ઓક્ટોબરે વડનગર અને વારાણસી ખાતે એકસાથે સમાપન થશે. વડનગર ખાતે ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક સાથે યાત્રાનું સમાપન કરવામાં આવશે. વડનગરમાં સાંજે 4 વાગ્યે યોજાનારા સમાપન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને યાત્રાના પ્રભારી વી.ડી. શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
અભિયાન દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્યમાં વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનો દ્વારા વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, જળ સંરક્ષણ, ગૌ-સેવા તેમજ વૃદ્ધાશ્રમોમાં સેવા સહિતના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
