રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી પર હાઈકોર્ટે ત્રણ મહિનાનો વચગાળાનો સ્ટે આપ્યો છે. આ નિર્ણયથી 1358 પરિવારોને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે GRT ને અપીલ પર ત્રણ મહિનામાં નિર્ણય લેવા અને અરજદારોના પુનર્વસન માટે વિચારણા કરવા નિર્દેશ આપ્યો છે.
રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટે જંગલેશ્વર વિસ્તારમાં સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી પર રોક લગાવી છે. હાઈકોર્ટ દ્વારા કલમ 202 સામે વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં 3 મહિના સુધી કોઈ ડિમોલિશન કાર્યવાહી ન કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાલ ડિમોલિશન નોટિસ રદ કરતા જંગલેશ્વરમાં વસતા 1358 પરિવારોને ત્રણ મહિનાની રાહત મળી છે.
હાઈકોર્ટે GRT ને અપીલ પર નિર્ણય કરવા આદેશ આપ્યો છે. GRT ને અપીલ પર 3 મહિનામાં નિર્ણય કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. અરજદારોને રિહેબિલિટેશન માટે પણ કન્સીડર કરવા કોર્ટે નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટના આદે બાદ જંગલેશ્વર વિસ્તારમં ખુશીનો માહોલ છે. .સરકાર વિસ્તારને રેગ્યુલાઈઝ કરે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.
રાજકોટના મામલતદારે 20 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા જંગલેશ્વર વિસ્તારમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળ નોટિસ આપી સાત દિવસની અંદર આ વિસ્તારમાં રહેલા જેટલા પણ મકાનો છે તે ખાલી કરવા જણાવ્યુ હતુ. આ નોટિસને પડકારતી હાઈકોર્ટમાં પિટિશન કરાઈ હતી.
જેમા અરજદારોના વકીલની રજૂઆત હતી કે સરકારની 2013ની પુનર્વસન માટેના GR મુજબ કેસને જોવામાં આવે.અન્ય રજૂઆત એ હતી કે 202ની નોટિસ ફટકારતા પહેલા 61નો ઓર્ડર પાસ કરવાનો હોય છે, તેને પડકારવા માટે 90 દિવસ માટેનો ટાઈમ હોય છે. તેની અપીલ GRTમાં કરાઈ હતી, જેમા મામલતદારની નોટિસમાં 7 દિવસની મર્યાદા હતી. આ તમામ પાંસાઓને ધ્યાને લઈ કોર્ટે મામલતદારની 202ની નોટિસ રદ કરી છે અને 2013ના સર્ક્લુલર મુજબ રિહેબિલિટેશન માટે કન્સીડર કરવા આદેશ કર્યો છે.
આપને જણાવી દઈએ કે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં નાના-મોટા, વડીલો અને બાળકો સહિત 20 હજારની વસ્તી રહે છે. અહીં રહેતા મોટાભાગના લોકો ગરીબો છે અને છૂટક મજૂરીકામ કરતા કામદારો છે.
Input Credit- Mohit Bhatt- Rajkot
Published On - 5:07 pm, Mon, 2 February 26