
લક્ષદ્વીપ નજીક અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી શંકાસ્પદ ઈરાની ધોને અટકાવી હતી. ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશન દરમિયાન ધોની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી.
શંકાસ્પદ ધોને અટકાવ્યા બાદ તેની તપાસ માટે સુરક્ષા દળોએ હોટ પર્સ્યુટ હાથ ધર્યું હતું. ત્યારબાદ કોસ્ટ ગાર્ડની ટીમે ધોનું ટેક્ટિકલ બોર્ડિંગ કરી અંદર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં પ્રતિબંધિત નશીલા પદાર્થો મળી આવતા સમગ્ર મામલો ગંભીર બન્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડ અગાઉ પણ ગુજરાત ATS સહિતની એજન્સીઓ સાથે સંયુક્ત દરિયાઈ ઓપરેશનમાં ડ્રગ્સની મોટી જપ્તી કરી ચૂક્યું છે.
ઓપરેશન દરમિયાન ધોમાંથી કુલ 526 કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજાર કિંમત ₹3 હજાર કરોડથી વધુ હોવાનો અંદાજ છે. આ જથ્થો દરિયાઈ માર્ગે ભારતમાં લાવવામાં આવી રહ્યો હતો કે અન્ય કોઈ સ્થળે પહોંચાડવાનો હતો તે અંગે એજન્સીઓ તપાસ કરી રહી છે.
ડ્રગ્સ સાથે ધોમાં સવાર પાંચ પાકિસ્તાની ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સના સ્ત્રોત, તેને કોના સુધી પહોંચાડવાનું હતું અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંકળાયેલું છે તે અંગે માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવશે.
કોસ્ટ ગાર્ડે પકડાયેલા ક્રૂ મેમ્બરો અને શંકાસ્પદ ધોને વધુ કાયદેસરની કાર્યવાહી માટે મુંબઈ લઈ જવામાં આવ્યા છે. અહીં સંબંધિત એજન્સીઓ દ્વારા ડ્રગ્સના સેમ્પલ, પેકિંગ, વહાણના દસ્તાવેજો અને ક્રૂ મેમ્બરોના નિવેદનો સહિતની તપાસ કરવામાં આવશે.
સમગ્ર મામલામાં ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સંકલન સાથે તપાસ આગળ વધારવામાં આવશે. ખાસ કરીને દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય નેટવર્ક, ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને ભારતમાં કોને પહોંચાડવાનું હતું તે અંગે તપાસનો દોર શરૂ થશે. દરિયાઈ માર્ગે નાર્કોટિક્સની હેરાફેરી સામે ભારતીય એજન્સીઓ અગાઉ પણ અનેક સંયુક્ત ઓપરેશન કરી ચૂકી છે.
આ પણ વાંચો- Breaking News : મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, શિવસેના UBT ના વિભાગ પ્રમુખ પર તાબડતોબ ફાયરિંગ, સારવાર દરમિયાન મોત !