
જૂનાગઢમાં ચાલી રહેલા વિવાદે હવે તીવ્ર વળાંક લીધો છે. સોશિયલ મીડિયા પર સતત વીડિયો મૂકી રહેલી કીર્તિ પટેલે ફરી એકવાર 14 મિનિટનો વીડિયો જાહેર કરી પરિસ્થિતિને વધુ ઉશ્કેરી છે. પરંતુ આ વખતના નિવેદનો માત્ર આક્ષેપ નથી તે સીધો સંસ્થાઓ અને વ્યક્તિઓ પર પ્રહાર સમાન ગણાઈ રહ્યા છે.
વિડિયોમાં કિર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુના એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ગુનાઓ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો. આશ્રમના નામે હોટલ ચલાવવાનો દાવો કર્યો. રાજકીય નેતાઓ સાથે નજીકતા બતાવી દબાણ બનાવવાનો આરોપ લગાવ્યો. પરંતુ મોટો સવાલ એ છે આટલા ગંભીર આરોપો માટે શું કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા? કે માત્ર સોશિયલ મીડિયા પર ઉછાળાયેલા દાવાઓથી જ જનમાનસને પ્રભાવિત કરવાનો પ્રયાસ છે?
કિર્તિ પટેલે દાવો કર્યો કે પોલીસે તેમની સામે ખોટા ગુનાઓ દાખલ કર્યા છે અને પરિવારને રાત્રે હેરાન કર્યા છે. સાથે જ તેમણે કહ્યું કે તેમણે ક્યારેય પોલીસને ધમકી આપી નથી. પરંતુ બીજી તરફ પોલીસ તેમને શોધી રહી હોવાની ચર્ચાઓ છે. જો તેઓ નિર્દોષ છે તો સત્તાવાર રીતે તપાસમાં સહકાર આપવો વધુ યોગ્ય નથી? વીડિયો દ્વારા જવાબ આપવો શું કાયદાકીય પ્રક્રિયાથી દૂર ભાગવાની રીત ગણાય?
વિડિયોમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ અપીલ કરવામાં આવી કે તેઓ ઇન્દ્રભારતી સાથે ફોટા ન પડાવે. આ નિવેદનથી વિવાદ રાજકીય રંગ લઈ રહ્યો છે. પરંતુ શું કોઈ જાહેર વ્યક્તિ સાથે ફોટો પડાવવું જ દોષ સાબિત કરે છે? કે પછી આ માત્ર રાજકીય દબાણ ઊભું કરવાની રણનીતિ છે?
મૃગિકુંડમાં સ્નાન કરાવવાના મુદ્દે પણ કિર્તિ પટેલે આક્ષેપ કર્યા કે તેઓ શિષ્યા ન હોવાથી વાંધો રાખવામાં આવ્યો. પરંતુ ફરી એકવાર આ દાવાઓના સમર્થનમાં શું કોઈ સ્પષ્ટ પુરાવો છે? આ આખો પ્રકરણ હવે એક પેટર્ન તરફ ઈશારો કરે છે દરેક કાર્યવાહી પછી વધુ એક વીડિયો, વધુ એક આક્ષેપ, શું આ સત્ય માટેની લડત છે કે સતત ચર્ચામાં રહેવાની કોશિશ? જાહેર જીવનમાં રહેલી વ્યક્તિઓ પર ગંભીર આરોપ લગાવવું સહેલું છે, પરંતુ તેની કાનૂની અને સામાજિક અસર પણ એટલી જ ગંભીર હોય છે. જો આરોપો ખોટા સાબિત થાય તો તેની જવાબદારી કોણ લેશે? હાલમાં સમગ્ર મામલો ગરમાયો છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે આ વિવાદમાં માત્ર નિવેદનો નહીં, પુરાવાઓ જ અંતિમ સત્ય નક્કી કરશે. ત્યાં સુધી, પ્રશ્નો વધતા જ રહેશે… અને જવાબોની રાહ પણ.
જૂનાગઢમાં યોજાયેલા મિની મહાકુંભમાં સાધુનો વેશ ધારણ કરી પ્રવેશ… કીર્તિ પટેલ શું સાબિત કરવા માગે છે ? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
Published On - 1:13 pm, Sat, 21 February 26