
અમદાવાદ પોલીસે આગામી હોળી-ધુળેટીના તહેવાર અને હાલમાં ચાલી રહેલા રમઝાન પર્વને ધ્યાનમાં રાખીને શહેરભરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા અને પેટ્રોલિંગ શરૂ કર્યું છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જ્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.
શહેરના રબારી કોલોની ચાર રસ્તા નજીક વાહનોનું ચેકિંગ શરૂ કરાયું છે. આ ચેકિંગનો મુખ્ય હેતુ નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નિયમોનો ભંગ કરનારા કોઈપણ વાહનચાલકને બક્ષવામાં આવશે નહીં. 100 થી વધુ પોલીસકર્મીઓ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા છે, જેઓ પગપાળા ફરીને વિસ્તારોની સુરક્ષાનું નિરીક્ષણ કરી રહ્યા છે.
ઝોન 5 ના વિસ્તારમાં હોળી-ધુળેટી અને રમઝાન પર્વ સંબંધે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુરક્ષા કવાયતમાં બે એસીપી કક્ષાના અધિકારીઓ, 8 પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ અને 100 થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. આ ફ્લેગ માર્ચનો ઉદ્દેશ્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો અને અસામાજિક તત્વોને કડક સંદેશ આપવાનો છે. આ ઉપરાંત, વ્હીકલ ચેકિંગ ડ્રાઈવ અને પ્રોહિબિશન ડ્રાઈવ પણ સતત ચાલુ રાખવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત કેન ડ્રાઈવનો એક કેસ અને પીધેલાના બે કેસ નોંધવામાં આવ્યા છે, તેમજ બે અટકાયતી પગલાં પણ લેવાયા છે.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. અમદાવાદના ઝોન સિક્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ વિઝન ડ્રોન દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ડ્રોન રાત્રિના સમયે ધમધમતા ભીડભાડવાળા બજારો, સાંકડી ગલીઓ અને મકાનની અગાસીઓમાં સઘન તપાસ કરી રહ્યું છે. ડ્રોન સર્વેલન્સ અજાણ્યા વિસ્તારો અને ઊંચાઈ પરથી નજર રાખવામાં અત્યંત મદદરૂપ થાય છે, જેનાથી કોઈ શંકાસ્પદ ગતિવિધિઓને સરળતાથી શોધી શકાય છે.
ખાસ કરીને ગીતા મંદિર બસ સ્ટેન્ડ જેવા સ્થળોએ પણ સઘન પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે. આ વિસ્તારમાં હોળીનો તહેવાર મનાવવા માટે મોટી સંખ્યામાં પરપ્રાંતીય મુસાફરો પોતાના વતન કે અન્ય જિલ્લાઓમાં પરત ફરતા હોય છે. આવા સંજોગોમાં ભીડનો લાભ ઉઠાવીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક છે. અમદાવાદ પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ પેટ્રોલિંગ આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે, જેથી તહેવારોના આ માહોલમાં નાગરિકો સુરક્ષિત અને નિર્ભય બનીને ઉત્સવ ઉજવી શકે.
લાખો મુસાફરોને અસર કરતો રેલવેનો આ નિર્ણય, 1 માર્ચથી રેલવેનો નવો નિયમ લાગુ આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો