
ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં જ હવામાનમાં પલટો આવ્યો છે અને રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. એક તરફ રાજ્યમાં શિયાળુ પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે, તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી વહેતા થયા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. શિયાળાની શરૂઆતમાં જ વરસાદ પડતાં લોકોને ચોમાસાની યાદ આવી ગઈ છે.
કમોસમી વરસાદને કારણે સૌથી વધુ મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક અને લણણીની તૈયારી વચ્ચે અચાનક વરસાદ પડતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ ઊભી થઈ છે. ખાસ કરીને મગફળી અને સોયાબીન સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ખેતીમાં પહેલેથી જ ખર્ચ વધી રહ્યો છે, ત્યારે કુદરતી આફતના રૂપમાં આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળાની શરૂઆતમાં જ માવઠાની સ્થિતિ સર્જાતાં ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ હવામાનના બદલાતા મિજાજથી પરેશાન છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તેના પર સૌની નજર રહેશે.
ગુજરાતમાં કમોસમી વરસાદનો સિલસિલો નવેમ્બર મહિનામાં પણ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈને મોટી આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, 2 અને 3 નવેમ્બરની આસપાસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગો સહિત કચ્છમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શિયાળાની શરૂઆતમાં જ માવઠાની સ્થિતિ સર્જાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેતરોમાં તૈયાર થયેલા મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે નવેમ્બરમાં પણ વરસાદની આગાહીએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે.
આ પણ વાંચો- Breaking News : હવે, નવા ચક્રવાત ‘મુરાસુ’નો ડર, 3 નવેમ્બરે દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા, જાણો વિગત