
ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદી ઝાપટાં પડતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે વહેલી સવારના વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરી દીધી છે.
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, વડાલી તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. હિંમતનગર શહેર ઉપરાંત કાંકણોલ, બેરણા, બળવંતપુરા સહિતના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને ગરમીનો પ્રકોપ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અરવલ્લી જિલ્લામાં પણ મોડાસા, શામળાજી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. મોડાસાના વાંસેરાકંપા પંથકમાં વહેલી સવારે ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા લોકોને વરસાદથી રાહત મળી હતી. ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મહીસાગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા હતા. લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ઉપરાંત વીરપુર અને બાલાસિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમી છાંટણાં જોવા મળ્યાં હતાં. કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે પડેલા વરસાદે સમગ્ર વિસ્તારમાં વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું.
હવામાનમાં આવેલા આ બદલાવથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. વરસાદને કારણે ગરમીનું પ્રમાણ ઘટ્યું છે અને આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.