Breaking News : ગાંધી જયંતીએ ગુજરાત સરકારની જાહેરાત, ખાદી-પોલિવસ્ત્ર પર મળશે 30 % ખાસ બજાર પ્રોત્સાહન
વિશેષ બજાર પ્રોત્સાહન હેઠળ ખાદી અને પોલિવસ્ત્રના વિવિધ ઉત્પાદનોનું વેચાણ વધારવા પર ભાર મૂકવામાં આવશે. જેમાં આસન, શેતરંજી, રેશમ પટોળા, ઊની સ્વેટર, જર્સી, શાલ તેમજ વિવિધ પ્રકારના ખાદીના રેડિમેડ ગારમેન્ટ્સનો સમાવેશ થાય છે.

ગાંધી જયંતીના અવસરે ગુજરાત સરકારે ખાદી અને પોલિવસ્ત્રને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં માન્ય સંસ્થાઓ અને મંડળીઓ દ્વારા ઉત્પાદિત ખાદી તથા પોલિવસ્ત્રના વેચાણને વેગ આપવા માટે 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ વિશેષ પ્રોત્સાહનનો લાભ 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2026 સુધી મળશે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આ યોજનાનો લાભ ગ્રાહકોને ખાદી વેચાણ કેન્દ્રો પરથી ખરીદી વખતે મળનારા વળતર સ્વરૂપે પહોંચશે.
16 હજારથી વધુ કારીગરોને મળશે રોજગારીનો લાભ
ગુજરાત સરકારનો આ નિર્ણય ખાદી સાથે સંકળાયેલા કારીગરો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજ્યમાં KVICનું પ્રમાણપત્ર ધરાવતી અને ખાદી બોર્ડના ઈ-કુટીર પોર્ટલ પર નોંધાયેલી 220થી વધુ માન્ય ખાદી સંસ્થાઓ અને મંડળીઓ કાર્યરત છે. આ સંસ્થાઓ સાથે સંકળાયેલા અંદાજે 16 હજારથી વધુ કાંતનાર અને વણનાર કારીગરોને સતત રોજગારી મળી રહે તે માટે ખાદીના વેચાણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આસનથી લઈને રેડિમેડ ગારમેન્ટ્સ સુધીની ખરીદી વધારવાનો પ્રયાસ
વિશેષ બજાર પ્રોત્સાહન હેઠળ ખાદી અને પોલિવસ્ત્રના વિવિધ ઉત્પાદનોનું વેચાણ વધારવા પર ભાર મૂકવામાં આવશે. જેમાં આસન, શેતરંજી, રેશમ પટોળા, ઊની સ્વેટર, જર્સી, શાલ તેમજ વિવિધ પ્રકારના ખાદીના રેડિમેડ ગારમેન્ટ્સનો સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા મુજબ, આવા ઉત્પાદનોની ખરીદી વધવાથી ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતા કારીગરોને રોજગારી મળશે અને સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે.
‘ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન’ને વેગ
રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન’, ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ જેવી પહેલ સાથે જોડવામાં આવ્યો છે. આગામી તહેવારો અને વિવિધ સામાજિક પ્રસંગોમાં લોકો સ્વદેશી ખાદી ઉત્પાદનો તરફ વધુ વળે અને ખાદીના વેચાણમાં વધારો થાય તે હેતુથી આ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
અમદાવાદ, ભરૂચ અને વડોદરામાં ખાદી મેળા
ખાદીના વેચાણને વધુ પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, ભરૂચ અને વડોદરામાં ખાદી પ્રદર્શન-સહ-વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ: 2થી 7 ઓક્ટોબર, ગુજરાત વિદ્યાપીઠ ખાતે ભરૂચ: 1થી 10 ઓક્ટોબર વડોદરા: 11થી 17 ઓક્ટોબર
