Gujarat Budget 2026-27: શ્રમિક કલ્યાણથી શિક્ષણ સુધી મોટા એલાન, યુવાઓ અને મજૂરોને મળશે સીધો લાભ

ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધારવા VB-G RAM G યોજના હેઠળ રોજગારીના દિવસો 100થી વધારીને 125 કરવામાં આવ્યા છે. આ માટે ₹1500 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat Budget 2026-27: શ્રમિક કલ્યાણથી શિક્ષણ સુધી મોટા એલાન, યુવાઓ અને મજૂરોને મળશે સીધો લાભ
Gujarat Budget 2026-27 Education Sector
| Edited By: | Updated on: Feb 18, 2026 | 2:26 PM

Gujarat Budget 2026-27 Education Sector: ગુજરાત બજેટ 2026-27માં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના શ્રમિકો, વિદ્યાર્થીઓ અને યુવાઓના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ બજેટમાં શ્રમિક કલ્યાણ, શિક્ષણ, સંશોધન અને કૌશલ્ય વિકાસ પર ખાસ ભાર મુકાયો છે.

શ્રમિક કલ્યાણ: આરોગ્ય અને પૌષ્ટિક આહાર પર ફોકસ

શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ બાંધકામ શ્રમિકો માટે નવા 121 અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. જેથી તેમને સસ્તું અને પૌષ્ટિક ભોજન મળી શકે.

‘ધન્વંતરિ આરોગ્ય રથ’ યોજનામાં વધુ 50 નવા રથ ઉમેરાશે. જેના કારણે કુલ સંખ્યા 204 થશે. શ્રમિકોને કાર્યસ્થળે જ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવા માટે ₹260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધારવા VB-G RAM G યોજના હેઠળ રોજગારીના દિવસો 100થી વધારીને 125 કરવામાં આવ્યા છે. આ માટે ₹1500 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષણ અને શિષ્યવૃત્તિમાં ઐતિહાસિક વધારો

પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા ₹2.50 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવી છે, જેના કારણે વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે.

આશ્રમશાળા અને છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે માસિક નિવાસ સહાય ₹2160થી વધારીને ₹2500 કરવામાં આવી છે.
અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓ માટે કુલ ₹5967 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે રાજ્યના શિક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું છે.

‘સંકલિત શાળાઓ’ માટે ₹120 કરોડ ફાળવાયા છે, જેમાં બાલવાટિકા થી ધોરણ-10 સુધીનું અવિરત શિક્ષણ મળશે.
રાજ્યમાં વધુ 926 નવી PM શ્રી શાળાઓ આધુનિક સુવિધાઓ સાથે શરૂ થશે.

જ્ઞાન અને સંશોધન માટે પ્રોત્સાહન

ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને અત્યાધુનિક ‘નમો સેન્ટ્રલ લાઈબ્રેરી’ સ્થાપવા ₹100 કરોડ ફાળવાયા છે.
આદિજાતિ વિકાસ માટે 15 તાલુકામાં ‘ભગવાન બિરસા મુંડા લાઈબ્રેરી’ સ્થાપાશે.

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ‘નમો સરસ્વતી યોજના’ હેઠળ ₹250 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

કૌશલ્ય વિકાસ અને રોજગાર

  • ‘નમો ગુજરાત કૌશલ્ય મિશન’ માટે ₹226 કરોડ ફાળવાયા છે, જેના માધ્યમથી યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપવામાં આવશે.
  • મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ 1 લાખથી વધુ તાલીમાર્થીઓને માસિક ₹3000 સુધીની સહાય આપવામાં આવશે.
  • અમદાવાદની L.D. એન્જિનિયરિંગ કોલેજ ખાતે IIT મોડલ પર રિસર્ચ પાર્ક સ્થાપવા માટે ₹51 કરોડ ફાળવાયા છે.

આ રીતે ગુજરાત બજેટ 2026-27 શ્રમિક કલ્યાણથી લઈને શિક્ષણ અને રોજગાર સુધી સર્વાંગી વિકાસનું દ્રષ્ટાંત રજૂ કરે છે. રાજ્યના મજૂરો, વિદ્યાર્થીઓ અને યુવાઓ માટે આ બજેટ અનેક નવી તકોનું દ્વાર ખોલે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Published On - 1:50 pm, Wed, 18 February 26