
ગુજરાતના દરિયા કિનારા મારફતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ ફરી એકવાર સક્રિય થવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં કચ્છના મુન્દ્રા પોર્ટ નજીકથી કરોડો રૂપિયાની કોકેઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે બ્રાઝિલથી લાવવામાં આવેલો આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયા માર્ગ થકી દિલ્હી સુધી પહોંચાડવાનો પ્લાન હતો. આ મામલે અત્યાર સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપીની શોધખોળ ચાલુ છે.
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડને ગુપ્ત માહિતી મળી હતી કે મુન્દ્રા પોર્ટથી આશરે 10 નોટિકલ માઈલ દૂર “યુરોપ” નામના કાર્ગો જહાજમાં મોટી માત્રામાં ડ્રગ્સ સંતાડવામાં આવ્યો છે. માહિતીના આધારે 25 મેની રાત્રિથી 26 મેની વહેલી સવાર સુધી આઉટર દરિયાઈ વિસ્તારમાં વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન કોસ્ટગાર્ડની ટીમને “યુરોપ” નામનું જહાજ મળી આવ્યું હતું, જેમાં બે લોકોની શંકાસ્પદ હલચલ જોવા મળી હતી.
કોસ્ટગાર્ડની બોટ નજીક આવતા જ જહાજમાં રહેલા બે શખ્સોએ તેમની પાસે રહેલા છ થેલાઓ દરિયામાં ફેંકી દીધા હતા. બાદમાં કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં સર્ચ કરીને પાંચ થેલાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. તપાસમાં પાંચેય થેલામાંથી કુલ 115 પેકેટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 118.977 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આ તમામ પેકેટોમાં કોકેઇન ભરેલું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કોકેઇનની કિંમત પ્રતિ કિલો આશરે 10 કરોડ રૂપિયા ગણવામાં આવી રહી છે.
એટીએસની તપાસ દરમિયાન ચાર થેલામાંથી એપલ એરટેગ પણ મળી આવ્યા હતા, જેના આધારે ડ્રગ્સના જથ્થાને ટ્રેક કરવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું અનુમાન છે. ઉપરાંત જહાજના સ્ટીયરિંગ રૂમમાંથી સેટેલાઇટ કોમ્યુનિકેશન ફોન પણ મળી આવ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર ઓપરેશન ખૂબ જ આયોજનબદ્ધ અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક દ્વારા સંચાલિત હતું.
ઓપરેશન દરમિયાન જહાજમાં રહેલા બે ક્રૂ મેમ્બરમાંથી એક આરોપી દરિયામાં કૂદી ગયો હતો, જેની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. જ્યારે બીજા ક્રૂ મેમ્બર જુમા નાસીર કોમરની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તે જહાજના મોટર રૂમમાં કામ કરતો હતો અને નવેમ્બર 2025થી પોતાના હેન્ડલરના સૂચન મુજબ આ ડ્રગ્સનો જથ્થો જહાજમાં સંતાડીને રાખ્યો હતો. ફરાર આરોપીનું નામ ngingite nassoro jumanne હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ તાન્ઝાનિયાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
એટીએસની તપાસ દરમિયાન દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેતા બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં કેલ્વિન ચોકમા અને byarujanga james નામના આરોપીઓ સામેલ છે. બંને આરોપીઓમાંથી એક નાઇજિરિયન અને એક યુગાન્ડાના વતની હોવાનું સામે આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે દરિયામાંથી નાની ફિશિંગ બોટ મારફતે આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના કિનારે પહોંચાડીને ત્યારબાદ દિલ્હી સુધી સપ્લાય કરવાનો પ્લાન હતો.
એટીએસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે “યુરોપ” નામનું આ જહાજ બ્રાઝિલથી કોકેઇનનો જથ્થો ભરીને અમેરિકા, મેક્સિકો અને પાકિસ્તાનના કરાચી બંદર મારફતે મુન્દ્રા સુધી પહોંચ્યું હતું. આ સમગ્ર રૂટ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સાથે જોડાયેલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ એટીએસ દ્વારા ઝડપાયેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. તપાસ એ દિશામાં પણ શરૂ કરવામાં આવી છે કે આ ડ્રગ્સનો જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો, દિલ્હીમાં રહેતા આરોપીઓ કેટલા સમયથી ભારતમાં સક્રિય હતા અને આ જથ્થો અંતે કોને સપ્લાય કરવાનો હતો. સાથે જ અગાઉ પણ આ ગેંગ દ્વારા ગુજરાત અથવા દેશના અન્ય ભાગોમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યો હતો કે કેમ તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.