મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) પડવાના કારણે નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 122.52 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, જ્યારે 121.92 મીટરથી દરવાજા મુકવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં પાણીની આવક 40,895 ક્યુસેક થઈ રહી છે જ્યારે જાવક 5,178 ક્યુસેક થઈ રહી છે. સી.એચ.પી.એચ. નું 1 ટર્બાઇન વીજ ઉત્પાદન માટે ચાલુ કરવામાં આવ્યું છે. અત્યારે નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.
મધ્યપ્રદેશની સાથે હાલમાં ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે અને ચોમાસુ બરાબર જામ્યુ છે. આજે સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આમ તો સમગ્ર ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે પરંંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે.
હવામાન વિભાગની આગાહી મૂજબ ગુજરાતના ઘણા જીલ્લાઓમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના બધાજ શહેરોમાં વરસાદની આગાહી કરવામાંં આવી છે. કચ્છ અને જામનગરમાં 8 જુલાઈના રોજ રેડ એલર્ટ હવમાન વિભાગ દ્વારા આપવામાં આવ્યુ છે.
આ પહેલા પણ મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસાદ પડ્યો હતો ત્યારે પણ નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો જોવા મળ્યો હતો અને એક જ દિવસમાં ડેમની જળ સપાટી 38 સેમી વધી હતી. તે સમયે ડેમની જળ સપાટી 121.32 મીટર પર પહોંચી હતી. જળ સપાટીમાં વધારો થતા કેનાલમાં 1,302 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ રહેશે તો નર્મદા ડેમ સંપૂર્ણ રીતે ભરાવાની શક્યતા છે.
With Input: વિશાલ પાઠક, નર્મદા
Published On - 1:39 pm, Thu, 6 July 23