Ahmedabad : અસામાજિક તત્વો બેફામ, મકોડી પહેલવાને પોલીસ ચોકીમાં જ કરી તોડફોડ, જુઓ Video
અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. મકોડી પહેલવાને, ખંડણી માગવા અને મુસાફરો સાથે હાથાપાઈ કરી હોવાની ઘટના બની છે.
Ahmedabad: ગીતા મંદિર બસ સ્ટેશનમાં અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ડર જ ના રહ્યો હોય એમ ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. ભાવેશ ઉર્ફે મંગો અને તેના સાગરીતોએ સવારના સમયે બસ સ્ટેન્ડ પોલીસ ચોકીના દરવાજાનો કાચ તોડી પ્રવાસીઓ સાથે ઝપાઝપી કરી હતી. કુખ્યાતના આતંક મચાવતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેને લઈને પોલીસે જાહેર સંપતિને નુકસાન પહોંચાડવા બાબતે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મજુર ગામમાં રહેતા ભાવેશ ઉર્ફે મંગાનો આતંક યથાવત છે. ભાવેશ અને તેના સાગરીતે ગીતામંદિર બસ સ્ટેન્ડ પર પહોંચી ફરી એકવાર વેપારીઓ અને પ્રવાસીઓ સાથે બોલચાલ કરી મારામારી કરી. જે બાદ પોલીસે આરોપીને પકડી પાડી દૂર લઈ ગયા હતા. જો કે બાદમાં ફરી તે અને તેના સાગરીતો ગીતા મંદિર પહોંચ્યા હતા. જ્યાં પોલીસ ચોકીના દરવાજા તોડી નાખ્યા હતા.
મકોડી પહેલવાન જેવા દેખાતા મંગાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આરોપી મંગો પોતાના માથા વડે પોલીસ ચોકીને નુકસાન પહોંચાડી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ તે પહેલા બસ સ્ટેન્ડમાં આવી તેને પાર્કિંગ કરેલ વાહનોને લાકડી વડે નુકસાન પણ પહોંચાડ્યું એ પછી બુકિંગ કાઉન્ટર તરફ જઈને પ્રવાસીઓ સાથે ઝપાઝપી પણ કરી જેથી આક્રોશે ભરાયેલ ટોળાએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો.
આ સિવાય 2-3 દિવસ પહેલા મંગો અને તેના સાગરીતોને પોલીસનો ડર જ ના હોય એમ દુકાનદારો પાસે ધારદાર હથિયાર લઇ ખંડણી કરી રહ્યા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. વેપારીઓ જણાવે છે કે આ લોકો સામે ફરિયાદ બાદ પણ વારંવાર છૂટી જઈ તેઓ બસ સ્ટેશનમાં આતંક મચાવે છે.. છતાં પોલીસતંત્ર એની સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ રહી.
એસટી બસ સ્ટેન્ડ પર અગાઉ બે મહિના પહેલા પણ મંગાએ અને તેના સાગરી તો એ આતંક મચાવી ખંડણી ઉઘરાવી હતી. જેને લઈને તેની પર પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી બે દિવસ પહેલા પણ મજૂર ગામ વિસ્તારમાં સ્થાનિકો સાથે બોલચાલ થઈ હતી અને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જે વાત આજે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ વધુ એક ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે એટલે કે અત્યાર સુધી મંગા સામે કુલ 11 જેટલી પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે.
આ પણ વાંચો : રેલવે પોલીસની ઉમદા કામગીરી, રોકડ અને 3 લાખની કિંમતની સોનાની બંગડીઓ મહિલા યાત્રીને પરત સોંપી
કાગડાપીઠ પીઆઇ એચ. સી ઝાલાએ જણાવ્યું કે આજે સવારે ભાવેશ અને ગિરીશે બસ સ્ટેન્ડના પોલીસ ચોકીની કાચ તોડવાના કેસમાં કાગડાપીઠ પોલીસે આરોપી સામે ફરિયાદ નોધી છે. તે જ્યારે જેલમાંથી છુટે છે ત્યારે બસ સ્ટેન્ડ પર તોફાન મચાવતો હોય છે. આજે પોલીસ ની શિફ્ટ બદલાય ત્યારે મોકો જોઈ આતંક મચાવ્યો હતો. વેપારીઓને પણ પર્સનલ નંબર આપી આવા લોકો અઘટિત માંગની કરે તો જાણ કરવા સૂચના આપી છે.
એસટી બસ સ્ટેન્ડ પર વેપાર કરતા લોકોમાં પણ મંગાના આતંકના કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વારંવાર એક જ જગ્યા પર આતંક મચાવનાર મંગા અને તેના સાગરીતોને જાણે કે પોલીસનો ડર જ ના રહ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે તોડફોડ ના ગુન્હાઓમાં જામીન પર છૂટ્યા બાદ મંગો એજ વિસ્તારમાં ફરીવાર આતંક માચાવતો હોય છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો