Breaking News: ગાંધીનગરના છત્રાલ GIDCમાં કેમિકલ ફેક્ટરીનું બોઈલર ફાટતાં ભયાનક બ્લાસ્ટ: 4 કામદારોના કમકમાટીભર્યા મોત!
ગાંધીનગર નજીક આવેલી છત્રાલ GIDC ફેઝ-4 ની 'કોવીકા ડાઇઝ એન્ડ ઇન્ટરમિડીએટ્સ' કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત નીપજ્યા છે. રિડક્શન વેસલમાં સર્જાયેલી ખામી બાદ બનેલી આ ઘટનાની SDM અને પોલીસ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર સ્થિત છત્રાલ GIDC ફેઝ-4 માં આવેલી ‘કોવીકા ડાઇઝ એન્ડ ઇન્ટરમિડીએટ્સ’ નામની કલર બનાવતી ફેક્ટરીમાં આજે બપોરે 12 વાગ્યાની આસપાસ એક ભીષણ વિસ્ફોટ થયો હતો. કેમિકલ પ્લાન્ટના રિડક્શન વેસલમાં અચાનક ખામી સર્જાવાને કારણે પ્રચંડ ધડાકા સાથે બોઈલર ફાટ્યું હતું.
આ કમનસીબ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરી રહેલા 4 નિર્દોષ શ્રમિકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યા હતા. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસના સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, SDM, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગનો મોટો કાફલો તાબડતોબ સ્થળ પર પહોંચ્યો હતો.
પ્રાથમિક તપાસ મુજબ કંપની પાસે ફાયર એનઓસી સહિતની મંજૂરીઓ હોવાની વિગતો સામે આવી છે, જોકે આ ભયાનક બ્લાસ્ટ કઈ ટેકનિકલ ખામી કે બેદરકારીથી થયો તે દિશામાં તંત્રે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

