
અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રીના પર્વને વધુ ભવ્ય અને ઉત્સવમય બનાવવા રાજ્ય સરકાર દ્વારા ‘નવરાત્રી શક્તિપર્વ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત રાજ્યનાં 9 પ્રખ્યાત માતાજીનાં દેવસ્થાનોમાં 11થી 19 ઓક્ટોબર દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમોનો હેતુ ગુજરાતની સમૃદ્ધ ધાર્મિક પરંપરા, લોકસંસ્કૃતિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આ આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રી શક્તિપર્વ અંતર્ગત રાજ્યનાં 9 ધાર્મિક સ્થળોએ અલગ-અલગ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમોનું સ્થળવાર સમયપત્રક નીચે મુજબ છે.
| તારીખ | સ્થળ |
|---|---|
| 11 ઓક્ટોબર | અંબાજી શક્તિપીઠ, બનાસકાંઠા |
| 12 ઓક્ટોબર | બહુચરાજી શક્તિપીઠ, મહેસાણા |
| 13 ઓક્ટોબર | શ્રી ઉમિયા માતા મંદિર, ઊંઝા |
| 14 ઓક્ટોબર | શ્રી આશાપુરા માતાજીનું મંદિર, મઢ, કચ્છ |
| 15 ઓક્ટોબર | શ્રી ચામુંડા માતા મંદિર, ચોટીલા, સુરેન્દ્રનગર |
| 16 ઓક્ટોબર | શ્રી મહાકાળી મંદિર, પાવાગઢ, પંચમહાલ |
| 17 ઓક્ટોબર | શ્રી ભદ્રકાળી મંદિર, અમદાવાદ |
| 18 ઓક્ટોબર | શ્રી હરસિદ્ધ માતા મંદિર, દેવભૂમિ દ્વારકા |
| 19 ઓક્ટોબર | શ્રી મોઢેશ્વરી માતા મંદિર, મોઢેરા, મહેસાણા |
નવરાત્રી શક્તિપર્વ દરમિયાન જાણીતા ગાયક કલાકારોની ઉપસ્થિતિ કાર્યક્રમોનું મુખ્ય આકર્ષણ રહેશે. 12 ઓક્ટોબરે બહુચરાજી ખાતે પ્રસિદ્ધ ગાયક અરવિંદ વેગડાના ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 19 ઓક્ટોબરે મોઢેરા સ્થિત શ્રી મોઢેશ્વરી માતા મંદિરે ગાયિકા હિમાલી વ્યાસ નાયકની ઉપસ્થિતિમાં ગરબાનું આયોજન થશે.
આ ઉપરાંત અન્ય સાત દેવસ્થાનો ખાતે પણ જાણીતા ગાયક કલાકારો દ્વારા ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓ માતાજીની આરાધના સાથે ગુજરાતી લોકસંગીત અને ગરબાની પરંપરાનો આનંદ માણી શકશે.
ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનનું મહત્ત્વ સતત જોવા મળી રહ્યું છે. રાજ્યના ‘આતિથ્યમ’ ટૂરિસ્ટ ફૂટફોલ ડેશબોર્ડના આંકડા મુજબ, ગુજરાતનાં ટોચનાં 10 પ્રવાસન સ્થળોમાં અંબાજી માતા મંદિર, પાવાગઢ અને બહુચરાજી મંદિરનો સમાવેશ થાય છે. તેવી જ રીતે રાજ્યના ટોચના 10 પ્રવાસન જિલ્લાઓમાં અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ અને કચ્છનો સમાવેશ થાય છે.
નવરાત્રી દરમિયાન આ ધાર્મિક સ્થળોએ યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમોથી શ્રદ્ધાળુઓને માતાજીનાં દર્શન સાથે ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિનો અનુભવ કરવાની તક મળશે. સાથે જ રાજ્યના ધાર્મિક પ્રવાસનને પણ વેગ મળવાની અપેક્ષા છે.
નવરાત્રી ગુજરાતની આગવી ઓળખ અને લોકસંસ્કૃતિનું પ્રતીક છે. આ પર્વ દરમિયાન શક્તિપીઠો અને માતાજીનાં મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. ‘નવરાત્રી શક્તિપર્વ-2026’ના આયોજનથી ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક વારસાને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા નાગરિકોને આ કાર્યક્રમોમાં સહભાગી બની માતાજીની આરાધના કરવા અને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને માણવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Published On - 3:53 pm, Fri, 9 October 26