
ગાંધીનગરમાં ઠાકોર સમાજ દ્વારા એક ઐતિહાસિક અભ્યુદય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં સમાજજનો ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોર અને જગદીશ ઠાકોર સહિતના અનેક અગ્રણી રાજકીય નેતાઓ અને સમાજસેવકો હાજર રહ્યા હતા. આ સંમેલનનો મુખ્ય હેતુ ઠાકોર સમાજમાં વ્યાપ્ત સામાજિક દૂષણો અને કુરિવાજોને તિલાંજલી આપી, સમાજને એકતાના તાંતણે બાંધી વિકાસના માર્ગે આગળ વધારવાનો હતો.
અલ્પેશ ઠાકોરે તેમના સંબોધનમાં સમાજમાંથી દારૂ જેવા દૂષણો દૂર કરવા અને એકતા સાધવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે ચિંતા વ્યક્ત કરી કે ગુજરાતનો આટલો મોટો સમાજ હજુ સુધી એક પણ DSP કે કલેક્ટર આપી શક્યો નથી. તેમણે પાટીદાર સમાજનું ઉદાહરણ આપી સંસ્થાઓ બનાવવાની અને શિક્ષણ થકી પછાતપણું દૂર કરવાની પ્રેરણા આપી. અલ્પેશ ઠાકોરે ખોટા દેખાડા પાછળ જમીન ન વેચવાની અપીલ કરી અને સમાજના ભલા માટે જરૂર પડે તો રાજકારણ છોડવા પણ તૈયાર હોવાનું જણાવ્યું.
સાંસદ ગેનીબેન ઠાકોરે રાજકીય ભેદભાવ ભૂલીને સમાજ અને શિક્ષણના નામે એક થવા માટે હાકલ કરી. તેમણે સમાજમાં અન્યાય સામે લડવા અને કુરિવાજોને દૂર કરવા માટે એકતાનું મહત્વ સમજાવ્યું. ગેનીબેન ઠાકોરે સમાજના ખર્ચા ઓછા થાય અને આર્થિક રીતે સક્ષમ બને તે માટે બંધારણની આવશ્યકતા પર ભાર મૂક્યો અને એક સમાજ, એક રિવાજ શ્રેષ્ઠ રિવાજનો સંદેશ આપ્યો. તેમણે સરસ્વતી માતાના ધામ બંધાય અને સમાજ અંધશ્રદ્ધામાંથી બહાર આવે તેવી આશા વ્યક્ત કરી.
કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સમાજના વિકાસ માટે સત્તાની જરૂરિયાતને મહત્વની ગણાવી. તેમણે કહ્યું કે સત્તા વગર સમાજ આગળ વધી શકે નહીં અને સમાજને જરૂર પડે ત્યારે પરસોત્તમ સોલંકી જેવા બનવું પડે. આ સંમેલનમાં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે એક મહત્વની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે મા-બાપ વગરના બાળકો માટે શક્તિ વિદ્યાલય બનાવવામાં આવશે, જે માત્ર ઠાકોર સમાજના જ નહીં પરંતુ ગુજરાતના તમામ સમાજના જરૂરિયાતમંદ બાળકોને પહેલા ધોરણથી બારમા ધોરણ સુધી વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડશે.
આ સંમેલન ઠાકોર સમાજમાં એક નવી ચેતના અને સંકલ્પ લઈને આવ્યું છે. નેતાઓએ સમાજને એક તાંતણે બાંધી, સામાજિક કુરિવાજોમાંથી મુક્ત કરી, શિક્ષણ અને આર્થિક સશક્તિકરણ દ્વારા સમાજને પ્રગતિના પંથે લઈ જવાનો સામૂહિક પ્રયાસ કરવાનો સંદેશ આપ્યો. સમાજને જ્યારે પણ જરૂર પડે ત્યારે પુરુષોત્તમ સોલંકી જેવા આગેવાનો બનીને ઉભા રહેવાની અપીલ સાથે સંમેલન સંપન્ન થયું.
અમરેલીમાં જમણવારમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે રોટલી પીરસવા બાબતે બોલી બઘડાટી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો