AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદમાં ભેળસેળયુક્ત સોસની ફેક્ટરીનો પર્દાફાશ, 2 હજાર કિલો જથ્થો જપ્ત

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમે ટોમેટો કેચઅપના મળતા આવતા નામ ‘ટેસ્ટી ટચઅપ’ હેઠળ વેચાતા સોસની ફેક્ટરી પર દરોડો પાડીને આશરે 2 હજાર કિલો સોસનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ફેક્ટરી લાયસન્સ વિના ચાલતી હોવાનું અને ઉત્પાદન એકમમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Breaking News: અમદાવાદમાં ભેળસેળયુક્ત સોસની ફેક્ટરીનો પર્દાફાશ, 2 હજાર કિલો જથ્થો જપ્ત
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2026 | 2:15 PM
Share

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમે ટોમેટો કેચઅપના મળતા આવતા નામ ‘ટેસ્ટી ટચઅપ’ હેઠળ વેચાતા સોસની ફેક્ટરી પર દરોડો પાડીને આશરે 2 હજાર કિલો સોસનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ફેક્ટરી લાયસન્સ વિના ચાલતી હોવાનું અને ઉત્પાદન એકમમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. તહેવારોની સિઝનમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના જોખમ વચ્ચે આ કાર્યવાહીથી ખાદ્ય સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.

બટાકાના પાવડર અને હાનિકારક કલરના ઉપયોગનો આરોપ

મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં બટાકાના પાવડર અને હાનિકારક કલરનું મિશ્રણ કરીને સોસ બનાવવામાં આવતો હોવાનો આરોપ છે. આ ઉપરાંત, સોસના ઉત્પાદનમાં સડેલા ખાદ્યપદાર્થોનો ઉપયોગ થતો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સોસનો ઉપયોગ સેન્ડવિચ, બર્ગર સહિતની ખાદ્ય વસ્તુઓમાં કરવામાં આવતો હતો અને અમદાવાદ શહેરના વિવિધ કોમર્શિયલ એકમોમાં તેનો સપ્લાય થતો હતો. જોકે, સોસમાં વપરાયેલા પદાર્થો અને તેની ગુણવત્તા અંગેની અંતિમ પુષ્ટિ લેબોરેટરીના અહેવાલ બાદ જ થઈ શકશે.

માત્ર 100 રૂપિયામાં પાંચ કિલો સોસનું વેચાણ

આ ફેક્ટરીમાં માત્ર 100 રૂપિયામાં પાંચ કિલો સોસ વેચવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. સસ્તા ભાવે તૈયાર થતો આ સોસ શહેરના કોમર્શિયલ એકમોમાં મોટા પ્રમાણમાં પહોંચાડવામાં આવતો હતો. દરોડા દરમિયાન આશરે 2 હજાર કિલો સોસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે સોસના નમૂના લઈને તપાસ માટે મોકલવાની કામગીરી હાથ ધરી છે. તપાસના અહેવાલના આધારે સોસની ગુણવત્તા અને તેમાં ભેળસેળ થઈ છે કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થશે.

છ મહિનાથી ચાલતી હતી કામગીરી, રોજનું 250થી 500 કિલો ઉત્પાદન

માહિતી અનુસાર, આ એકમમાં છેલ્લા છ મહિનાથી સોસનું ઉત્પાદન કરવામાં આવતું હતું. અહીં દરરોજ અંદાજે 250થી 500 કિલો સોસ તૈયાર કરીને અમદાવાદના વિવિધ કોમર્શિયલ એકમોમાં સપ્લાય કરવામાં આવતો હોવાનો દાવો છે. જો આ સમયગાળા દરમિયાન સોસનો આટલો મોટો જથ્થો બજારમાં પહોંચ્યો હોય, તો તેનો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યા અંગે પણ સવાલ ઊભા થાય છે. જોકે, કેટલા લોકો સુધી આ સોસ પહોંચ્યો હતો તેની ચોક્કસ વિગતો તપાસ બાદ જ જાણી શકાશે.

ફેક્ટરી સીલ, વેપારીએ ભેળસેળના આરોપ નકાર્યા

દરોડા દરમિયાન ઉત્પાદન એકમમાં સ્વચ્છતાની સ્થિતિ અને લાયસન્સ સંબંધિત બાબતોની તપાસ કરવામાં આવી હતી. એકમનું સરનામું અને લાયસન્સ સંબંધિત વિગતોમાં પણ વિસંગતતા હોવાની માહિતી સામે આવી છે. કાર્યવાહી બાદ ફેક્ટરીને સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, વેપારીએ સોસમાં ભેળસેળ કરવામાં આવતી હોવાના આરોપો નકારી કાઢ્યા છે અને માન્ય પદાર્થોનો ઉપયોગ કરીને ઉત્પાદન કરતા હોવાનો દાવો કર્યો છે.

હવે સોસના નમૂનાના લેબોરેટરી રિપોર્ટ અને આરોગ્ય વિભાગની વધુ તપાસ પર સૌની નજર છે. તપાસમાં જો ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ અથવા હાનિકારક પદાર્થોનો ઉપયોગ સાબિત થશે, તો જવાબદારો સામે નિયમ મુજબની કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો-Breaking News : જૂનાગઢમાં ખોટી ઓળખ સાથે રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, IBએ તપાસ તેજ કરી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">