
દિવાળીના તહેવારમાં માવામાંથી બનતી મીઠાઈઓની માગમાં વધારો થાય છે. આ દરમિયાન લોકો સુધી શંકાસ્પદ અથવા ગુણવત્તા વિનાનો ખાદ્ય પદાર્થ ન પહોંચે તે માટે AMCના આરોગ્ય વિભાગે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં તપાસ હાથ ધરી હતી. આ કોલ્ડ સ્ટોરેજમાં અમદાવાદના અલગ-અલગ મીઠાઈના વેપારીઓનો માવો સંગ્રહિત કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન માવાના જથ્થામાંથી નમૂના લેવામાં આવ્યા હતા. લગભગ 40 હજાર કિલોથી વધુ શંકાસ્પદ માવાનો જથ્થો વેચાણ માટે અટકાવવામાં આવ્યો છે. જોકે, સમગ્ર સ્થળે સંગ્રહિત માવાનો કુલ જથ્થો આના કરતાં વધુ હોવાનું પણ જણાવાયું છે.
તપાસ દરમિયાન માવાનાં પેકેટ પર ઉત્પાદન તારીખ, એક્સપાયરી ડેટ અને ઉપયોગ સંબંધિત જરૂરી વિગતો ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે. પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર લાગુ નિયમો મુજબ જરૂરી માહિતી દર્શાવવી આવશ્યક છે. આ વિગતોના અભાવે માવો ક્યારે બનાવવામાં આવ્યો હતો અને કેટલા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેમ છે તે નક્કી કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. આથી આરોગ્ય વિભાગે માવાના નમૂના લઈને તેની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાની તપાસ શરૂ કરી છે. તપાસનાં પરિણામો આવ્યા બાદ સંબંધિત વેપારીઓ સામે નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોલ્ડ સ્ટોરેજમાં અંદાજે 50 જેટલા વેપારીઓ અને કંપનીઓનો માવો સંગ્રહિત હતો. સ્થળ પર કુલ માવાનો જથ્થો એક લાખ કિલોથી વધુ હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમાંથી મુખ્ય 10થી 15 વેપારીઓ કે કંપનીઓના જથ્થાની તપાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. માવાના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નમૂનાઓનાં પરિણામો અંદાજે ત્રણથી ચાર દિવસમાં મળવાની શક્યતા છે. ત્યારબાદ માવાની ગુણવત્તા અને તેમાં કોઈ ભેળસેળ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થશે.
તપાસ દરમિયાન માવા ઉપરાંત મીઠાઈ બનાવવા માટે વપરાતી અન્ય પ્રોડક્ટ્સની પણ વિગતો સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કેટલીક મીઠાઈઓ માવાને બદલે બરફી જેવા મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. આવા મિશ્રણમાં મિલ્ક પાઉડર, પામોલીન તેલ અને ખાંડ જેવા ઘટકોનો ઉપયોગ થઈ શકે છે. નિયમો મુજબ માન્ય ઘટકોમાંથી બનાવવામાં આવતી આવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કેટલીક મીઠાઈઓ બનાવવા માટે થઈ શકે છે. જોકે, ગ્રાહકોને ઉત્પાદનની સાચી ઓળખ અને તેની સામગ્રી અંગે યોગ્ય માહિતી મળે તે જરૂરી છે.