
પોલીસનું કામ જનતાની સેવા કરવાનું છે અને તેમની રક્ષા કરવાનું છે. જો કે, આ વખતે જે બનાવ બન્યો છે તે પરથી કહી શકાય કે ગુજરાતમાં હવે સરકારી તંત્ર વિખેરાઈ રહ્યું છે. વાત એમ છે કે, અમદાવાદ રાજકોટ હાઇવે પર આવેલ પાણસીણા ચેક પોસ્ટ પર પોલીસ જ વાહન ચાલકોને ખોટી રીતે હેરાન કરી રહી છે.
આ દાવો ત્યાંથી અવાર નવાર આવતા જતા વાહનચાલકોએ કર્યો છે. ત્યાંથી નીકળતા મુસાફરોએ આક્ષેપ લગાવ્યો છે કે, અહીંના પોલીસકર્મીઓ ચેકપોસ્ટ પર ખુલમખુલી લૂંટ કરી રહ્યા છે.
પોલીસકર્મીઓ ખાનગી માણસો ઊભા રાખે છે અને જે લોકો નિયમોનું પાલન કરે છે તેમના ખિસ્સા ખાલી કરાવે છે. આવી ઘટના વારંવાર બનતી હોવાથી વાહન ચાલકોમાં ઉગ્ર રોષ ભરાયો છે. વાહન ચાલકોએ વધુમાં કહ્યું કે, આ એક આખું રેકેટ જ ચાલી રહ્યું છે અને આ અંગે તપાસ થવી જરૂરી છે. અમદાવાદ રાજકોટ હાઇવે પરથી દિવસના હજારો વાહનો પસાર થતાં હોય છે અને એવામાં જો પોલીસ જ બેફામ થઈને ગેરકાયદેસર કામ કરશે તો ગુજરાતનું તંત્ર ખોરવાઈ જશે.
આમ જોવા જઈએ તો, પોલીસે કાયદાની અમલવારી કરાવવાની હોય છે પરંતુ અહીંયા તો વાહનચાલકોને જ ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. આ ઘટનાને લઈને પાણસીણાના પોલીસકર્મીઓ પર તેમના કામને લઈને લોકોમાં સવાલો ઊભા થઈ રહ્યા છે.
Published On - 7:09 pm, Tue, 15 April 25