આખરે ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે. આ તમામ ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે.
આખરે ભાજપ દ્વારા સસ્પેન્સનો અંત લાવવામાં આવ્યો છે. રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાંથી ચાર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી જે.પી. નડ્ડા, ગોવિંદભાઇ ધોળકિયા, મયંકભાઇ નાયક અને ડો. જશવંતસિંહ પરમારનું નામ જાહેર કરવામાં આવ્યુ છે.
આ વખતે મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ કરવામાં આવ્યા નથી. તેમની 2 ટર્મ થઇ ગઇ હોવાથી તેમને રાજ્યસભામાં ન મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યસભામાં આ ઉમેદવારોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યુ છે.
ગુજરાતની 4 બેઠક સહિત રાજ્યસભાની 56 બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરી દીધો છે. 15 રાજ્યમાં 56 બેઠક ખાલી પડી રહી છે, જેના માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. ગુજરાતની ચારેય રાજ્યસભાની બેઠકો ભાજપના ફાળે જવાની છે. અત્યાર સુધી 2 બેઠક ભાજપ અને 2 બેઠક કોંગ્રેસ પાસે હતી. જો કે સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે.હવે 156 ધારાસભ્યોની સંખ્યા હોવાથી આ ચારેય બેઠક પર ભાજપનો કબજો રહેશે.
ગોવિંદ ધોળકિયા અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની છે. તેમણે સૌરાષ્ટ્રમાં જળસંચય માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ધોળકિયા નરેન્દ્ર મોદીની નજીકના મનાય છે.
જશવંતસિંહ પરમાર ગોધરા શહેરના જાણીતા ડોક્ટર છે તેમજ પંચમહાલના બક્ષી પંચ મોરચાના કારોબારી સભ્ય છે. તેઓ બારીયા બક્ષી પંચ સમાજમાંથી આવે છે. ગોધરામાં 60 હજારથી વધુ બારીયા બક્ષી પંચ સમાજના મતદારો છે.
મયંક નાયક તેઓ મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો છે તેમજ ભાજપ OBC સેલના અધ્યક્ષ છે. તેઓ મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ રહી ચુકેલા છે. તેમણે મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધીની જવાબદારી નિભાવેલી છે.
જેપી નડ્ડા મૂળ હિમાચલ પ્રદેશના છે. વિદ્યાર્થીકાળ દરમિયાન જે પી નડ્ડા રાજકારણમાં આવ્યા હતા. તેમણે જય પ્રકાશ નારાયણના વિવિધ આંદોલનોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. વર્ષ 1993માં તેઓ હિમાચલ પ્રદેશની બિલાસપુર સદર વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ ચૂંટાયા હતા. 1998માં તેઓ ફરી એકવાર ધારાસભ્ય બન્યા હતા.
વર્ષ 2010માં તેમને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. 2012માં જેપી નડ્ડા રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2014માં જ્યારે દેશમાં ભાજપની સરકાર બની ત્યારે જેપી નડ્ડાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. 2019 માં, તેઓ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને 2020 માં, તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.
રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત 8 ફેબ્રુઆરી 2024થી એટલે કે આજથી થશે અને 15 ફેબ્રુઆરી 2024 સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ત્યારે 16 ફેબ્રુઆરીએ ફોર્મ વેરિફાઈ કરવામાં આવશે. ત્યારબાદ 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. તે પછી 27 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે મત ગણતરી કરવામાં આવશે.
Published On - 2:20 pm, Wed, 14 February 24