
રાજ્ય સરકાર દ્વારા બિન ખેતી (NA) અને જમીનના નિયમોમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. હવેથી રાજ્યમાં ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. ટૂકડા ધારામાં કરવામાં આવેલા આ મહત્વના સુધારાને રાજ્યપાલે પણ મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી જમીનમાં નાનો ટુકડો હોવાને કારણે જે મુશ્કેલીઓ પડતી હતી, તે હવે દૂર થશે અને હજારો કેસમાં સીધો ફાયદો થશે.
આ સુધારા મુજબ, નાના ટુકડાના સોદા હવે ફોક નહીં થાય અને તેને વિનામૂલ્યે વિનિયમિત કરવામાં આવશે. આ ઉપરાંત, બિન ખેતી માટે ખેડૂતોને સર્ટિફિકેટ આપવાનો પણ નિર્ણય લેવાયો છે. સાથોસાથ સરકાર દ્વારા જમીનના પ્રીમિયમ દરોમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
રાજ્યમાં માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રસ્તાઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા નોન પ્લાન રસ્તાઓને લઈને લેવામાં આવેલા આ નિર્ણય અંતર્ગત 3,440 કરોડ રૂપિયાના ખર્ચે 5,700 કિમી લંબાઈના કુલ 2,342 કામોને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના નોન પ્લાન રસ્તાઓનું રીસરફેસિંગ કરવામાં આવશે.
રસ્તાઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સરકારે રસ્તાના મેન્ટેનન્સનો સમયગાળો 4 વર્ષથી વધારીને 8 વર્ષ કરી દીધો છે. હવેથી રસ્તાની સંપૂર્ણ જાળવણીની જવાબદારી જે-તે કોન્ટ્રાક્ટરની રહેશે, જેમાં ડામરની સપાટીથી લઈને રસ્તાની આસપાસના સાઈનેજ (બોર્ડ) સુધીની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરના શિરે રહેશે.
આ ઉપરાંત, 25 કરોડ સુધીના રસ્તાના કામો માટે રસ્તાની સમય મર્યાદા (Liability Period) જે અગાઉ 4 વર્ષની હતી, તે વધારીને હવે 7 વર્ષ કરવામાં આવી છે. સરકારના આ કડક વલણ અને નવા નિયમોથી રાજ્યના રસ્તાઓની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે.
Published On - 8:12 pm, Wed, 1 April 26