ભાવનગરની મહુવા બેઠક પર આર.સી.મકવાણાની ટિકિટ કપાતા ભાજપમાં ભડકો, 300 કાર્યકરોના રાજીનામા

| Edited By: | Updated on: Nov 10, 2022 | 7:44 PM

Gujarat Election 2022: ભાવનગર જિલ્લાની મહુવા બેઠક પર ભાજપે આર.સી. મકવાણાની ટિકિટ કાપી શિવાભાઈ ગોહિલને ટિકિટ આપતા મહુવા શહેર અને તાલુકાનુ રાજકારણ ગરમાયુ છે અને વિરોધનો સૂર ઉઠ્યો છે.

ભાવનગરના મહુવા બેઠક પર શીવા ગોહિલનું નામ જાહેર થતા મહુવા ભાજપમાં ભડકો થયો તો બીજી તરફ ક્ષત્રિય સમાજે ભાજપ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો. મહુવા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ સભ્યો, ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત 300થી વધુ સભ્યોએ સામુહિક રાજીનામા આપ્યા છે. આર.સી મકવાણાની ટિકિટ કાપી શીવા ગોહિલને ટિકિટ આપતા ભાજપના આગેવાનો અને રાજપૂત ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો છે. શહેર અને જિલ્લાની એક પણ બેઠક પર ક્ષત્રિય સમાજના ઉમેદવારને ભાજપે ટિકિટ ન આપતા વિરોધ નોંધાવ્યો છે. રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખે એલાન કરતા કહ્યું, તમામ ક્ષત્રિય મતદારો ભાજપ વિરુદ્ધમાં ભાવનગર શહેર અને જિલ્લામાં મતદાન કરશે અને તેના માટે બેઠકો અને સંમેલનો ટુંક સમયમાં બોલાવાશે.

કોંગ્રેસના કનુ કલસરિયા સામે ભાજપના શિવા ગોહિલને ટિકિટ

ઉલ્લેખનીય છે કે ભાવનગરની 6 વિધાનસભા સીટો પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં મહુવા બેઠક પર આર.સી.મકવાણાની ટિકિટ કાપીને તળાજાના પૂર્વ ધારાસભ્ય શિવા ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. કોળી સમાજના સમીકરણોને ધ્યાને રાખી શિવાભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈને સ્થાનિક મહુવા શહેર અને તાલુકા ભાજપ દ્વારા ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. મહુવા તાલુકા પંચાયતના તમામ ભાજપના સભ્યો અને સંગઠનના તમામ સભ્યો અને કાર્યકર આગેવાનોએ રાજીનામુ આપી દીધુ છે. આ તમામ કાર્યકર આગેવાનોની એક જ માગ છે કે તેમને મહુવામાં શિવાભાઈ ગોહિલ માટે ટિકિટની માગ પણ કરી ન હતી તો ભાજપે તેમને શા માટે ટિકિટ આપી શકે.  કોંગ્રેસના કનુભાઈ કલસરિયા જેવા મજબુત ઉમેદવાર સામે શક્તિશાળી ઉમેદવારને મેદાને ઉતારવાની જરૂર હતી તેવી મહુવા ભાજપના કાર્યકરોની માગ છે.