
ભાવનગરમાં એલ.સી.બી. પોલીસે જુગાર સામે મોટી કાર્યવાહી કરી છે. કુંભારવાડા મોતી તળાવ ખાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે જુગાર ચાલતો હોવાની ફરિયાદો મળતી હતી, જેને લઈને એલ.સી.બી. ટીમ સક્રિય બની હતી.
દરોડા દરમિયાન એલ.સી.બી. પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી જુગારીઓ પર નજર રાખી હતી. જુગારીઓની રેકી કરવા અને તેમને રંગેહાથ પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડ્રોન મારફતે પોલીસની કાર્યવાહી જોતા જ જુગારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી અને બચવા માટે કેટલાક જુગારીઓ નદીના ખાર વિસ્તારમાં ભરાયેલા પાણીમાં ખાબકી ગયા હતા.
પોલીસની ઝડપી કાર્યવાહીમાં કેટલાક જુગારીઓને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યા હતા. આ રેડ દરમિયાન જાહિદ સીદાતર, દિલીપ થારતીયા અને ઇમ્તિયાઝ સમા નામના આરોપીઓ ઝડપાયા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ સમગ્ર મામલે બોર તળાવ પોલીસ મથકમાં કુલ 8 જુગારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન જુગાર રમવા માટે વપરાયેલ રૂપિયા અને સામગ્રી સહિત કુલ રૂ. 37,900 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
ગિફ્ટ સિટીમાં મળેલી છૂટછાટ બાદના નિયમો જાણી લો, જુઓ Video
Published On - 6:42 pm, Tue, 23 December 25