Pahalgam Terrorist Attack : જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીના મોત, ભાવનગરના 2, સુરતના એક વ્યક્તિનું મોત

મંગળવાર, 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પહલગામમાં એક ભયંકર આતંકવાદી હુમલો થયો હતો. હુમલો સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ 5 વાગ્યે થયો હતો, જ્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહલગામ અને આજુબાજુના વિસ્તારમાં ફરવા માટે નીકળ્યા હતા. આ હુમલામાં કુલ 26 લોકોના મૃત્યુ થયા છે, જેમાં ગુજરાતના 3 પ્રવાસીઓ પણ મૃત્યુ પામ્યા છે.

Pahalgam Terrorist Attack : જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીના મોત, ભાવનગરના 2, સુરતના એક વ્યક્તિનું મોત
| Edited By: | Updated on: Apr 23, 2025 | 9:33 AM

મંગળવાર, 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પહલગામમાં એક ભયંકર આતંકવાદી હુમલો થયો હતો. હુમલો સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ 5 વાગ્યે થયો હતો, જ્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહલગામ અને આજુબાજુના વિસ્તારમાં ફરવા માટે નીકળ્યા હતા. આ હુમલામાં કુલ 26 લોકોના મૃત્યુ થયા છે, જેમાં ગુજરાતના 3 પ્રવાસીઓ પણ મૃત્યુ પામ્યા છે.

ભાવનગરના પિતા-પુત્રનું  અવસાન

આ હુમલામાં ભાવનગરના સુમિત પરમાર અને તેમના પુત્ર યતેશ પરમારનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પિતા-પુત્ર એક જૂથ સાથે કાશ્મીર ફરવા ગયા હતા અને પવિત્ર અને શાંત રહેલા પહલગામમાં આકરી હિંસાનો ભોગ બન્યા. તેમના અવસાનના સમાચારથી ભાવનગરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

સુરતના શૈલેષ કલાઠીયાનું પણ મોત

સુરતના રહેવાસી શૈલેષ કલાઠીયા પણ આ હુમલામાં મોતને ભેટ્યા છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતા શૈલેષ મુંબઈની એક ખાનગી બેંકમાં નોકરી કરતા હતા અને પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયા હતા. તાજેતરમાં પરિવાર સાથે ફરવા માટે કાશ્મીર ગયા હતા, ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ હુમલામાં તેઓ આતંકીઓની ગોળીનો શિકાર બન્યા. આ સમાચાર મળતાં જ સુરતના તેમના મકાન નજીક શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા તેમના સુરત સ્થિત નિવાસસ્થાને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પરિવારને હાલ પોલીસ સુરક્ષા આપવામાં આવી રહી છે.

બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

હમલામાં ભાવનગરના અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. વિનોદ ભટ્ટ ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલ જમ્મુ-કાશ્મીરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિનોદ ડાભી પણ હુમલામાં ઘાયલ થયા છે. તેમને હાથમાં ગોળી વાગી છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે.

ભયભીત પ્રવાસીઓ, તંત્ર એલર્ટ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક સુરક્ષા દળો અને તબીબી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાશ્મીર ફરવા ગયેલા ભાવનગરના 20 લોકોના ગ્રુપમાં ભય અને અસ્થિરતા ફેલાઈ છે.

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.  મૃતદેહને ગુજરાત પરત લાવવામાં આવી રહ્યા છે અને ઘાયલોના તબિયત અંગે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. આ હુમલાની વૈશ્વિક સ્તરે સખત નિંદા થઈ રહી છે. પીએમ મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડીને દિલ્હી પાછા ફર્યા અને એરપોર્ટ પર જ વિદેશ મંત્રી, NSA અને વિદેશ સચિવ સાથે મુલાકાત કરી.