ભાવનગરના માલણ ડેમમાંથી પાણી છોડાતા પૂલ તૂટ્યો, પાણીમાં પૂલ તણાઈ જતા બોરડીથી મોટા ખૂટવડા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ-Video

ગીર સોમનાથથી લઈને અમરેલી અને ભાવનગર સુધી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જાણે ધોધમાર તાંડવ મચાવ્યું. અનેક ગામોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, ખેતરો નદીઓમાં ફેરવાઈ ગયા છે અને લોકો પાણીના પૂરમાં ફસાયા છે.

| Edited By: | Updated on: Oct 27, 2025 | 6:59 PM

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનો કહેર ચાલુ છે. ઉનાના લેરકા ગામે તો જાણે નદીઓ વહેતી હોય તેવો માહોલ સર્જાયો છે. રસ્તાઓ, ખેતરો અને ગામની ગલીઓ પાણીમાં ગરકાવ થતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે ઉનાના અનેક ગામોમાં અવરજવર પણ બંધ થઈ ગઈ છે. ઉનાના ઉટવાળા ગામની સ્થિતિ પણ ચિંતાજનક બની છે. ગામમાં સાર્વત્રિક જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. કાંઠાના વિસ્તારોની વાડીઓમાં રહેલા લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે. છેલ્લા 36 કલાકમાં ઉનામાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે અને હજુ પણ વરસાદનો સિલસિલો ચાલુ છે. સતત વરસતા વરસાદે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને મુશ્કેલીનું વાતાવરણ ઊભું કરી દીધું છે.

અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધોધમાર એન્ટ્રી સાથે પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. રાજુલા અને જાફરાબાદમાં ભારે વરસાદને કારણે સાર્વત્રિક જળબંબાકાર સર્જાયો છે. રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થતા અનેક વિસ્તારોમાં લોકો ફસાયા હતા. રાજુલા પંથકના જુદા-જુદા ત્રણ સ્થળોએ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. આશરે 50થી 100 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તંત્રના સતત પ્રયાસો બાદ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.

ભાવનગરમાં માલણ ડેમમાંથી પાણી છોડાતા પૂલ તૂટ્યો છે. પૂલ પાણીમાં તણાઈ જતા બોરડીથી મોટા ખૂટવડા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ધોધમાર વરસાદને કારણે ગામડાં પાણી-પાણી થઈ ગયા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વાઘનગર ગામે એક યુવક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જતાં દહેશતનો માહોલ સર્જાયો હતો. સદનસીબે યુવક એક બાવળના ઝાડને પકડીને ઉભો રહી ગયો. ગ્રામજનોની તકેદારી અને હિંમતના કારણે દોરડાની મદદથી યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું. વરસાદી હાહાકાર વચ્ચે ગામમાં રાહતનો શ્વાસ છૂટી ગયો.

અમરેલીના રાજુલામાં ચાંચબંદર-પટવા રોડ પાણીમાં ગરકાવ થયો. સમઢીયાળા બંધારનું પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ ગયો છે. આવી વિકટ સ્થિતિ વચ્ચે મેડિકલ ઈમરજન્સી ઊભી થઈ, જેમાં ત્રણ પ્રસૂતાને જેસીબી અને બોટની મદદથી સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થતાં ભારે હાલાકી વચ્ચે તંત્ર અને ગ્રામજનોએ મળીને માનવતા દાખવી.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોત્રા ગામમાં ભારે વરસાદ પછી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. બ્રિજ પર પાણી ફરી વળતાં ગામનો સંપર્ક તૂટી ગયો છે. સગર્ભા મહિલાને લેવા આવેલી એમ્બ્યુલન્સ પાણી ભરાવાને કારણે પરત ફરવી પડી હતી. પાણીમાં ગરક થતા ગામમાં અવરજવર બંધ થઈ ગઈ છે અને ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

તો અમરેલીના કમોસમી આફતથી રાજુલા જ નહીં જાફરાબાદ પંથકમાં હાલાકી છે.જ્યાં અતિભારે આફત વરસતા ગામ તો સંપર્ક વિહોણું થયું જ છે પરંતુ પાણીના ભયાનક પ્રવાહમાં વીજ પોલ ધરાશાયી થવાના દ્રશ્યો સામે આવતા લોકોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. ધાતરવડી ડેમમાંથી પાણી છોડાતા નદીઓમાં પાણીની આવક વધી છે.,.તંત્રની કામગીરી સામે પણ ગ્રામજનોમાં ભારે રોષ છે કેમ કે ગામની ચારેય તરફ પાણી હોવા છતાં કોઈ મદદે આવ્યું નથી.
આ પણ વાંચો: Baba Vanga Gold Prediction: સોનાના ભાવને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણી, વર્ષ 2026માં જાણો કેટલો આવશે

Published On - 6:46 pm, Mon, 27 October 25