
ભરૂચ : શહેરના નાના ખાટકીવાડ વિસ્તારમાં ભરૂચ બી ડિવિઝન પોલીસે સપાટો બોલાવી ગેરકાયદેસર રીતે ચાલતા ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ શહેર ‘બી’ ડિવિઝન પોલીસની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીના કારણે કતલ થવા જઈ રહેલા 7 જીવિત ગૌવંશને બચાવી લેવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી કતલ કરાયેલી ગાયનું માંસ, હથિયારો અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.કે. ડામોરને ખાનગી રાહે પાકી બાતમી મળી હતી કે નાના ખાટકીવાડમાં કુરેશી મસ્જીદ પાસે આવેલ યુસુફ ઈસ્માઈલ કુરેશીના ઘરમાં અને તેની બાજુની ખુલ્લી જગ્યામાં ગેરકાયદે ગૌવંશની કતલ પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.ડી. ડાંગર સાથે પશુચિકિત્સક ડૉ. મિતેશ ભાટીયા અને પંચોની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી દરોડો પાડ્યો હતો.
પોલીસે રેડ કરી ત્યારે આરોપીઓ બંધ રૂમમાં એક ગીર ગાયની કતલ કરી તેના અંગો અલગ કરી રહ્યા હતા. ગુનાના સ્થળેથી લોહીલુહાણ હાલતમાં હથિયારો જેવા કે કુહાડી, છરા સાથે વજન કાંટો અને ૪૫૦ કિલો પ્રતિબંધિત ગૌમાંસ કબજે કરવામાં આવ્યું હતું.
આરોપીના ઘરની બાજુમાં આવેલી સરકારી ખુલ્લી જગ્યામાં અત્યંત ક્રૂરતાપૂર્વક, શ્વાસ રૂંધાય તે રીતે બાંધી રાખેલા 1 કાંકરેજ ગાય, 1 ગીર ગાય, 3 વાછરડા અને 2 વાછરડી સહિત કુલ ૭ ગૌવંશને મુક્ત કરાવી ભરૂચ પાંજરાપોળ ખાતે સુરક્ષિત મોકલી આપવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ગૌવંશની રક્ષા માટે અત્યંત કડક કાયદાકીય પ્રાવધાન છે. આ કિસ્સામાં પોલીસે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૨૫, ૩(૫) તેમજ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કાનૂની સકંજો કસ્યો છે. આ પ્રકારના ગુનામાં કડક સજા અને દંડની જોગવાઈ છે. ભરૂચ ‘બી’ ડિવિઝન પોલીસની આ બાહોશ અને સમયસૂચક કામગીરીને પગલે જીવદયાપ્રેમીઓ અને પ્રજામાં પોલીસ તંત્ર પ્રત્યે ભારે સરાહના જોવા મળી રહી છે.
આ સફળ ઓપરેશન ભરૂચ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એન.કે. ડામોરની આગેવાની અને ચોક્કસ બાતમી હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. આ બાતમીના આધારે પ્રશંસનીય રેડ કરનારી ટીમમાં મુખ્ય ફરિયાદી એવા પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI) એમ.ડી. ડાંગર સામેલ હતા. તેમની સાથે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર (ASI) શૈલેષભાઈ પાચીયાભાઈ (બ.ન. ૯૯૯) તેમજ અનાર્મ હેડ કોન્સ્ટેબલ (અ.હે.કો.) વિજયભાઈ રમેશભાઈ (બ.ન ૯૧૧) , જશવંતભાઈ બાબુભાઈ (બ.ન. ૧૨૧૮) , અને વિનોદભાઈ ધનજીભાઈ (બ.ન. ૧૦૯૪) જોડાયા હતા. આ ઉપરાંત ટીમમાં પોલીસ કોન્સ્ટેબલ (પો.કો.) ભાવાજીભાઈ જીવાજીભાઈ (બ.ન. ૮૪૪) , અશ્વિનભાઈ શાંભાભાઇ (બ.ન. ૮૨૫) , વનરાજભાઈ ભીમસીંગભાઈ (બ.ન. ૧૩૬૫) , દિનેશભાઈ ધુળકરભાઈ (બ.ન. ૩૧૭) અને ભરતભાઈ હેબુભાઈ (બ.ન. ૧૫૧૭) એ સ્થળ પર હાજર રહીને રેડની આખી કાર્યવાહીને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો.
Published On - 2:27 pm, Thu, 21 May 26