
ભરૂચ : દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવા માટે સક્રિય ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂની ડિલિવરી આપવા આવેલા એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી મોટી માત્રામાં દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બુટલેગર પોલીસને પડકાર ફેંકતા સ્કૂલ બેગોમાં 264 બોટલ દારૂ ટુ વહીલર પર ડિલિવરી આપવા નીકળ્યો હતો.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ બર્ગમેન મોપેડ પર રેલ્વે સ્ટેશનથી ઇંગ્લીશ દારૂના થેલા ભરી ગોદી રોડ તરફ જવાનો છે. આ બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં ગોદી રોડ પાણીની ટાંકી પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને કોર્ડન કરી અટકાવ્યો હતો.
મોપેડ ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ હમઝા ઇદ્રીશ શેખ રહે. પ્રતિષ્ઠા રેસીડન્સી, કાપોદરા, અંકલેશ્વર હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની મોપેડ પર રાખેલ સ્કૂલ બેગોની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મી.લી.ની કુલ 264 સીલબંધ બોટલો મળી આવી હતી.
ચર્ચાનો વિષય એ બન્યો છે કે અંકલેશ્વરનો બુટલેગર ભરૂચ શહેરમાં દારૂની ડિલિવરી કરતો હોવાની સ્થાનિક પોલીસને ખબર ન પડી!!! ક્રાઇમ બ્રાન્ચે પોલીસ ચોકીથી નજીકના અંતરેથી ખેપિયાના ખેલને ઝડપી પડ્યો છે. સ્કૂલ બેગમાં દારૂ ભરી જાહેર માર્ગો પરથી ડિલિવરી કરવામાં આવતી હોવાના ખુલાસાએ અનેક સવાલો ઊભા કર્યા છે. શહેરમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક કેટલા સમયથી સક્રિય હતું? અને શું કોઈના આશીર્વાદથી ચાલતું હતું? તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. LCBની કાર્યવાહીએ બુટલેગરના નેટવર્કને તોડ્યું છે.
આ દારૂનો જથ્થો દમણથી લાવવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કુલ રૂપિયા 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે બે લોકો વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. પૂછપરછમાં પકડાયેલ આરોપી હમઝાએ પોલીસને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો તેના નાના ભાઈ રમઝાન ઇદ્રીશ શેખએ મંગાવ્યો હતો. ભરૂચ ‘એ’ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ, ઈ), ૮૧, ૯૮(૨) અને ૧૧૬(બી) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં રમઝાન શેખને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Published On - 12:28 pm, Mon, 1 June 26