
નવવર્ષના તહેવારને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાં ગેરકાયદેસર દારૂ વેચાણ કરતી પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. ધરપકડ કરાયેલ આરોપી નિવૃત્ત આર્મીમેન છે જે ડિફેન્સ પરમીટનો દારૂ વેચતો હતો.આરોપી પાસેથી રૂ. 3.59 લાખની કિંમતની 84 બોટલ દારૂ મળી આવ્યો છે.
મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેરના જુના નેશનલ હાઇવે પર આવેલા અક્ષર આઇકોનના F બ્લોકમાં રહેતા એક રિટાયર્ડ આર્મીમેન જયકિષ્ના શ્યામરાજ તિવારી દ્વારા ડિફેન્સ કોટા હેઠળ મળતી પરમીટના આધારે દારૂ સંગ્રહ કરી તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હતું. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ અંક્લેશ્વર જુના નેશનલ હાઇવે પર આવેલ અક્ષર આઇકોનના F બ્લોકમા બીજા માળે આવેલ રૂમ નંબર ૨૦૩ માં રેઇડ કરી હતી.
રેઇડ દરમિયાન પ્રતીબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ 84 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 3.59 લાખ થાય છે. આ તમામ મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી વોટ્સએપ મારફતે ઓર્ડર મેળવી અંકલેશ્વરના અલગ-અલગ વિસ્તારોમાં ગ્રાહકોને બોલાવી દારૂની ડિલિવરી આપતો હતો. રેઇડ સમયે આરોપી ઘરમાં હાજર ન હતો, પરંતુ નોકરી પરથી પરત ફરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી એરફોર્સમાંથી નિવૃત્ત થયા બાદ હાલ ગાંધાર ખાતે IOCLમાં નોકરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી. વાળા ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પો.સ.ઇ.આર.કે.ટોરાણી સાથે એ.એસ.આઇ. અશ્વિનભાઇ તથા અ.હે.કો. પરેશભાઇ, અ.હે.કો. મનહરસિંહ, અ.હે.કો. દિપકભાઇ, અ.હે.કો. નીતાબેન તથા અ.પો.કો. તુષારભાઇ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.
ઉલ્લેખનીય છે કે ભરૂચ પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલીકરણ માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. નવવર્ષના તહેવાર અગાઉ દારૂના વેચાણ સહીત અસામાજિક પ્રવૃયુતિઓને અટકાવવા પોલીસ વિશેષ ધ્યાન આપી રહી છે. આ અભિયાન અંતર્ગત અંક્લેશ્વરમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
Published On - 5:06 pm, Thu, 25 December 25