હજુ બુધવારે 19 જુને જામનગરમાં પ્રસિદ્ધ બાલાજી બ્રાન્ડની વેફરના પેકેટમાંથી મૃત દેડકો મળ્યો હોવાની ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે ફરી એકવાર ચીતરી ચઢાવનારા દૃશ્યો સામે આવ્યા છે. સંભારમાં મરેલો ઉંદર મળી આવવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દાવા મુજબ આ ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ “દેવી ઢોસા”માં ઘટી. અહીં ગ્રાહકે તેનો મનપસંદ ઓર્ડર તો આપ્યો. પણ, તેમાં સંભારમાંથી મરેલો ઉંદર નીકળ્યો. જેને જોતા જ ગ્રાહકનો રોષ ભભૂકી ઉઠ્યો.
આ તરફ ભરૂચમાં પણ ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં નેશનલ હાઈવે પરની નોવસ હોટેલના કાજુના શાકમાંથી માખી મળી આવી હતી. એટલું જ નહીં અન્ય એક શાકમાંથી દોરો નીકળ્યો હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ગ્રાહકનો આક્ષેપ છે કે સમગ્ર મામલે હોટલ સંચાલકને ફરિયાદ કરતાં તેને ઉડાઉ જવાબ મળ્યો હતો. જેને પગલે ગ્રાહકોએ હંગામો કર્યો હતો.
પ્રશ્ન એ છે કે શુદ્ધતાના નામે ઊંચી કિંમતો વસૂલવામાં આવતી હોવા છતાં શા માટે ભોજનની ગુણવત્તા સાથે અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવે છે ? આવી તો અનેક ઘટનાઓ આજકલ સામે આવી રહી છે.
ક્યાંક સંભારમાંથી મરેલો ઉંદર નીકળી રહ્યો છે. ક્યાંક પંજાબી સબ્જીમાંથી માખી નીકળી રહી છે. તો બીજી તરફ ઊંચું ભાડું વસૂલતી અને હાઈજીનના દાવા કરતી વંદેભારત ટ્રેનમાંથી પણ ચોંકાવનારી તસવીરો સામે આવી છે. 18 જૂનના રોજ ભોપાલથી આગ્રા સુધી વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરી રહેલાં યાત્રીઓને ભોજન પીરસાયું હતું. જેમાંથી એક દંપતીને ભોજનમાંથી વંદો મળી આવ્યો હતો ! દંપતીના ભત્રીજાએ આ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરીને ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ ઈન્ડિયન રેલવેએ પણ સમગ્ર પ્રકરણમાં માફી માંગતા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. મુદ્દો એ છે કે આવી ખાતરીઓ તો ઘણી અપાય છે. પરંતુ, તેનું પાલન થાય છે કે કેમ. તે જ મોટો સવાલ છે ?
Input Credit- Ankit Modi- Bharuch
આ પણ વાંચો: ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ