આજે દેશભરમાં રમઝાન ઈદ(Ramzan Eid)ની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક(SP Bharuch) ડો. લીના પાટીલે(Dr. Leena Patil) પોલીસ પ્રજાની મિત્ર છે તે ભાવના કેળવાય તે માટે મહત્વનું પગલું ભર્યું હતું.. અંકલેશ્વર ખાતે ઈદની નમાઝ સમયે પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે , નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ અને અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ ઇદગાહ ખાતે પહોંચ્યા હતા. પોલીસે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામના પાઠવી તેમની સાથે સેવૈયા પણ આરોગી હતી.
પવિત્ર રમજાન મહિનામાં રોજા પુરા થાય છે અને ચાંદ દેખાતા મુસ્લિમ સમાજમાં ખુશી-આનંદની લહેર ફરી વળે છે. ઈદ એ રોજા પુરા કરનારને અલ્લાહ તરફથી મળતી અણમોલ ભેટ માનવામાં આવે છે. ઈદના દિવસે સવારે વહેલા મુસ્લિમ બિરાદરો ખુતબો(ઇદની વિશેષ નમાજ)પઢે છે.ઈદના દિવસે ગળે મળી આગળના બધા વેરઝેર ભુલી સાચા મનથી નવી શરૂઆત કરાય છે. ઈદ ઇસ્લામના અર્થ-શાંતિને સાચા અર્થમાં સાર્થક કરે છે. એકતા, સંપ, ભાઈચારો વધે અને ઈદના દિવસના ખુતબામાં વિશ્વમાં અમન ચેન શાંતિ રહે એ માટે વિશેષ દુવા પણ કરવામાં આવે છે.
ખુતબો અને સવારની નમાજ સાથે ઇદની ઊજવણીની શરૂઆત થાય છે. મસ્જિદ અથવા ઇદગાહમાં હાજર તમામ ભાઈઓ એક બીજાને ઉષ્માપુર્વક ભેટી સાચા હૃદય અને દિલથી ગળે મળીને ઇદની મુબારકબાદી આપે છે.ઇદની સ્પેશિયલ વાનગી ખીર-સુરમો જે શુદ્ધ ઘી, દૂધ, કાજુ-બદામ, સેવૈયા સહિત ડ્રાયફૂટ સૂકો મેવો નાખી બનાવાય છે.
આજે અંકલેશ્વરમાં ઇદગાહ ખાતે નમાઝના સમયે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે ભરૂચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઇદગાહ ખાતે નજરે પડ્યા હતા. પોલીસે કાયદો ને વ્યસ્થાની જાળવણી માટે બંદોબસ્ત ગોઠવવા સાથે ઈદના પર્વની આનંદભેર અને એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તેવા પ્રયાસ હાથ ધર્યા હતા. ઈદની નમાઝ બાદ એસપી ડો. લીના પાટીલ સહીત પોલીસ અધિકારીઓને ઈદની શુભકામના પાઠવી ઈદની વિશેષતા એવી સેવૈયા આરોગી હતી.
આ પણ વાંચો : ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ ઠપ્પ થઇ જતા 5 મૃતદેહ ડીકમ્પોઝ થયા, એનજીઓની રજુઆત બાદ સમારકામ શરૂ કરાયું
Published On - 1:06 pm, Tue, 3 May 22