BHARUCH : SP ડો. લીના પાટીલના રાજમાં બુટલેગરોમાં ફફડાટ,અંકલેશ્વરમાં દારૂ ભરેલો ટેમ્પો ડિલિવરી કરી ન શકતા બિનવારસી છોડી ફરાર થયા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રએ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ એક્સેલના પાર્કિંગમાં શંકાસ્પદ ટેમ્પો હોવાની બાતમી મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ભરૂચ(Bharuch) જિલ્લા પોલીસ તંત્રમાં મોટાપાયે બદલીઓ સાથે ફેરફાર કરાતા પોલીસકર્મીઓમાં સોપો પડી ગયો છે. કોઈપણ સંજોગે દારૂ – જુગારની બદી નહિ ચલાવી લેવાનો આદેશ જારી કરનાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક(SP Bharuch ) ડો. લીના પાટીલ(Dr. Leena Patil – IPS)નો મિજાજ પારખી જિલ્લા પોલીસ પણ એક્શન મોડમાં દેખાઈ રહી છે. જિલ્લાના પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર બાદ પોલીસતંત્ર દોડધામ કરતું દેખાઈ રહ્યું છે. ટીમમાં ફેરફાર બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે. સૂત્રો અનુસાર જિલ્લા પોલીસની કડકાઈ બાદ દારૂનો જથ્થો બુટલેગર સુધી પહોંચાડવામાં અસફળ રહેલા ખેપિયાઓ દારૂ ભરેલો ટેમ્પો બિનવારસી છોડી ફરાર થઇ ગયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
બુટલેગરો બિનવારસી દારૂ છોડી ફરાર થયા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રએ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ એક્સેલના પાર્કિંગમાં શંકાસ્પદ ટેમ્પો હોવાની બાતમી મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જીજે 16 એયુ 9597 નંબરનો ટેમ્પો પાર્કિંગમાં નજરે પડ્યો હતો. પોલીસ તપાસ કરતા આસપાસ કોઈ ચાલક કે ક્લીનર મળી આવ્યા ન હતા. પાંચ રૂબરૂ ટેમ્પોની તલાસી લેવામાં આવતા પોલીસ ચોકી ઉઠી હતી.
ટેમ્પોમાં મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પોમાંથી પોલીસે પોણા દસ લાખ રૂપિયાની કિંમતની સાડા છ હજાર કરતા વધુ દારૂની બોટલ કબ્જે કરી હતી. પોલીસે દારૂ અને ટેમ્પો મળી અંદાજિત ૧૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જમા કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.
ડો. લીના પાટિલના રાજમાં બુટલેગરોમાં ફફડાટ
ક્ષેત્રના નિષ્ણાંતો અનુસાર બિનવારસી દારૂ ભરેલો ટેમ્પો છોડી દેવા પાછળ એસપી ડો. લીના પાટીલની કડકાઈ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. જિલ્લમાં રૂઆબદાર ગણાતા પોલીસકર્મીઓની બદલી સાથે એસપીના દારૂ – જુગારની બદી નહીં ચલાવી લેવાના સ્પષ્ટ આદેશના પગલે જિલ્લાભરમા પોલીસની કડકાઈ શરૂ થતા બુટલેગરો કામ ધંધા સમેટી સલામત સ્થળની શોધમાં રવાના થઇ ગયા છે. જિલ્લમાં ક્યાંય દારૂનો જથ્થો ડિલિવર કરવામાં સફળ ન રહેતા ખેપિયાઓ દારૂ ભરેલો ટેમ્પો બિનવારસી છોડી ફરાર થઇ ગયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.