ભરૂચ(Bharuch) જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે(Dr. Leena Patil – SP Bharuch) ચાર્જ સંભાળતા સાથે દારૂ જુગાર સહિતની બદીઓ ઉપર નિયંત્રણ મેળવવા જિલ્લા પોલીસની ટીમને કડક સૂચનાઓ આપી હતી. પોલીસ વડાના આદેશના પગલે જિલ્લા પોલીસના તમામ પોલીસ સ્ટેશન અને ક્રાઇમબ્રાન્ચની ટીમોએ સતત દરોડાઓનો દોર ચલાવી મોટી સંખ્યામાં દારૂ – જુગારના કેસ કરી બુટલેગરો અને ખેપિયાઓ સામે ધરપકડ અને વોન્ટેડ જાહેર કરવા જેવા પગલાં ભર્યા હતા. કડક હાથે કામની શરૂઆત કરનાર એસપી ડો. લીના પાટીલે આજે જિલ્લામાં 20 પોલીસકર્મીઓ અને ૪ પોલીસ સબ ઈન્સ્પેકટરોના બદલીના ઓર્ડર કર્યા છે. એક સમયે પોતાની કચેરીમાં રુઆબદાર તરીકે નોકરી કરનારા આ પોલીસકર્મીઓને હેડ ક્વાર્ટર ભેગા કરવામાં આવ્યા છે.
ભરૂચ એસપી તરીકે ચાર્જ સાંભળ્યા બાદ ડો. લીના પાટીલે પોતાના સૂત્રો તરફથી જીલાલ પોલીસની ટીમનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ૪૦ પેટી વિદેશી દારૂ ઝડપી પાડવાની ઘટના બાદ ૪ સ્થાનિક પોલસીકર્મીઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાયા બાદ આજે ફરી એકવાર જિલ્લામાં પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ તમામ પોલીસકર્મીઓને હેડક્વાર્ટર ભેગા કરવામાં આવ્યા છે.
સૂત્રો અનુસાર બદલી કરાયેલ પોલીસકર્મીઓમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ , ભરૂચ – અંકલેશ્વર શહેર , જીઆઇડીસી, આમોદ , ઝગડીયા તાલુકા , દહેજ મેરિન , મહિલા સેલ અને ટ્રાફિક સહિતના વિભાગોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. સબ ઇન્સ્પેકટરની બદલીઓમાં ૩ પોલીસકર્મીઓને રીડર તરીકે બદલી અપાઈ છે જેમાં એસઓજી અને ટ્રાફિક વિભાગના સબ ઇન્સ્પેકટરોનો સમાવેશ થાય છે. સૂત્રો મુજબ બદલી કરાયેલ પોલીસકર્મીઓ તેઓ જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેના રુઆબદાર પોલીસકર્મીઓ તરીકે ઓળખાતા હતા જયારે કેટલાક લાંબા સમયથી એકજ સ્થાને હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે અભ્યાસ બાદ આવા પોલીસકર્મીઓની યાદી તૈયાર કરી બદલી કરી હોવાની ચર્ચા થઇ રહી છે.
બદલીઓના ઓર્ડર કરતા આ પોલીસકર્મીઓની બદલી ક્યાં થઇ તે સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લા પોલીસ વડાએ આજે આદેશ કરાયેલા તમામ 20 પોલીસકર્મીઓને હેડક્વાર્ટર ભેગા કરી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. પોલીસકર્મીઓ સામે આ એક કડકાઈભર્યું પગલું પણ માનવામાં આવી રહ્યું છે.
Published On - 5:29 pm, Tue, 12 April 22