Unseasonal rain : ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, બનાસકાંઠામાં વીજળી પડતા 21 પશુના થયા મોત
ઉત્તર ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ભારે તારાજીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના અનેક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભર શિયાળામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ભારે તારાજીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો અન્ય કેટલાક વિસ્તારમાં ધુમ્મસના કારણે વિઝિબ્લિટીની સમસ્યા પણ ઊભી થઇ હતી.
બનાસકાંઠાના ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવો ઘાટ સર્જાયો છે. એક તરફ માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે. તો બીજી તરફ વીજળી પડતા પશુઓના મોતથી પશુપાલકોની ચિંતા વધી છે. બનાસકાંઠામાં કમોસમી વરસાદ સાથે વીજળી પડતા 21 પશુઓના મોત નિપજ્યા છે. જેમાં પાલનપુરમાં 11 પશુ, ડીસા, દીયોદર, વાવમાં બે-બે પશુના મોત થયા છે, તો કાંકરેજ અને લાખણીમાં પણ એક-એક પશુનું મોત નિપજ્યું છે.
બનાસકાંઠામાં લાખણી, દિયોદર, કાંકરેજ તાલુકામાં ધુમ્મસ જોવા મળી રહી છે. ગઇકાલે પણ બનાસકાંઠામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતુ. તો આજે પણ શિહોર-પાટણ હાઇવે અને થરાદ-ડીસા હાઇવે પર ધુમ્મસનાં કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો છે. ગઇકાલે કમોસમી વરસાદ આજે ગાઢ ધુમ્મસ પાકને નુક્સાન થવાની ભીતિથી ખેડૂતો ચિતિત છે.
આ તરફ સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા જગતનો તાત ફરી ચિંતામાં આવી ગયો છે. થેરાસણા, વડગામડા, થુરાવાસ, કેશરગંજ અને મેધમાં વરસાદી માહોલ છવાયો હતો. છેલ્લા 24 કલાકમાં ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. માવઠાના પગલે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાનની સંભાવના છે.
મહેસાણા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે ધુમ્મસ છવાયું હતુ. બે દિવસના વરસાદી વાતાવરણ બાદ ધુમ્મસ છવાયેલુ જોવા મળ્યુ. વિઝિબ્લિટીમાં ઘટાડો થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.