Banaskantha: પાણીનો પ્રશ્ન વિકટ બન્યો, પાલનપુર તાલુકાના ખેડૂતોએ ટ્રેકટર રેલી કાઢી
આજે બનાસકાઠાના પાલનપુર તાલુકાના 50 ગામના ખેડૂતોએ આજે પાણીના પ્રશ્નને લઇને રેલી યોજી. ખેડૂત પરિવારોએ ટ્રેક્ટર સાથે રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપીને પાણીનો પ્રશ્ન હલ કરવા માગ કરી હતી.
ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ જેટલા આંદોલન પાણીની માંગ સાથે થયા છે આજે ફરી એકવાર પાલનપુર તાલુકાના ખેડૂતો (farmers) એ ટ્રેકટર રેલી (tractor rally) સાથે પદયાત્રા કરી જિલ્લા કલેકટરને પાણીની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
આજે બનાસકાઠાના પાલનપુર (Palanpur) તાલુકાના 50 ગામના ખેડૂતોએ આજે પાણીના પ્રશ્નને લઇને રેલી યોજી. ખેડૂત પરિવારોએ ટ્રેક્ટર સાથે રેલી યોજીને પાણીનો પ્રશ્ન હલ કરવા માગ કરી હતી. પાલનપુર તાલુકાના મલાણા તળાવ ખાતે ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. કિસાન સંઘના નેજા હેઠળ પાણીની માંગને લઈને ખેડૂતો એકઠા થયા હતા. તળાવોને નર્મદાના પાણીથી જોડવા માટેની માગ કરાઈ રહી છે.
ઓછા વરસાદ અને વધુ પડતાં ભૂગર્ભ જળના ઉપયોગથી જળ સંકટ
વિધાનસભાની ચૂંટણી નજીક આવે તે પહેલા બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. જિલ્લામાં ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળ દિન પ્રતિદિન ઊંડા જઈ રહ્યા છે. મોટા ભાગના તળાવો તેમજ ડેમ ખાલીખમ છે. ત્યારે નર્મદાના પાણીની માંગ સાથે ખેડૂતો પાણી માટેની માંગ કરી રહ્યા છે. આજે પાલનપુર તાલુકાના 50 ગામના ખેડૂતો મલાણા તળાવ ખાતે એકત્ર થયા. જ્યાં પાણીમાં માટે ઉગ્ર રજૂઆત કરી. ખેડૂતો એકસૂરે સરકાર પાસે નર્મદાના પાણીને પાલનપુર તાલુકાના તળાવ થી જોડવા માટેની માંગ કરી. ભારતીય જનતા પાર્ટીની જ ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આ સમગ્ર ખેડૂત આંદોલન યોજવમાં આવ્યુ. ખેડૂતોએ 5 કિલોમીટર ટ્રેક્ટર રેલી યોજી. જે બાદ બે કિલોમીટર પદયાત્રા કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું. ખેડૂતોની માંગ છે કે સરકાર કોઈપણ ભોગે પાણી આપે.
એક અઠવાડિયામાં ત્રણ અલગ અલગ જળ આંદોલન
પાણીના પ્રશ્નો મામલે બનાસકાંઠા જિલ્લામાં એક અઠવાડિયામાં જ ત્રણ અલગ-અલગ આંદોલન થઇ ચૂક્યા છે. અગાઉ કોંગ્રેસના 7 ધારાસભ્યોએ મૌન રેલી યોજી પદયાત્રા કરી હતી. જે બાદ થરાદ ખાતે 97 ગામના ખેડૂતોએ થરાદ નાયબ કલેકટર કચેરી ખાતે પાણી માટે પ્રતિક ઉપવાસ કર્યા. આજે પાલનપુર તાલુકાના ખેડૂતોએ પાણી માટેની માંગ ઉગ્ર કરી ટ્રેકટર રેલી અને પદયાત્રા કરી છે. ત્યારે સરકાર આ મામલે કોઇ નક્કર કામગીરી કરે છે કે કેમ તે સૌથી મહત્વનું છે. જિલ્લા કલેકટરને વારંવાર આવેદનપત્ર મળી રહ્યા છે.
પાણીની વ્યવસ્થા એ સરકારનો નીતિગત વિષય હોઈ સરકારને ખેડૂતોની રજૂઆત મોકલી અપાશે : કલેકટર
બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન વિકરાળ બની રહ્યો છે. કલેકટરને આવેદનપત્ર મળતા અંગે જિલ્લા કલેકટર આનંદ પટેલનું કહેવું છે કે પાણીના મામલે ખેડૂતોની રજૂઆત મળી રહી છે. જે રજૂઆતોને ધ્યાને લઈ સરકારને મોકલી આપવામાં આવશે. ખેડૂતોના પ્રશ્નો મામલે સરકારના સંબંધિત વિભાગો આ મામલે આખરી નિર્ણય કરશે. પરંતુ ખેડૂતોની રજૂઆત અને વાસ્તવિક પરિસ્થિતિ મામલે જિલ્લા વહીવટીતંત્ર સરકારને જાણ કરશે.
પાણીનો પ્રશ્ન વિકરાળ બનતાં ભાજપની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘ આંદોલનના માર્ગે
રાજ્યમાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપની સરકાર છે. પરંતુ હવે ભાજપની ભગીની સંસ્થાઓ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. આજે પાલનપુર તાલુકા માં યોજાયેલી ખેડૂત રેલી ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ યોજાઈ હતી. પાલનપુર તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ માવજી લોહનું કહેવું છે કે સરકાર અમારી છે. પરંતુ અમને લાગેલી પાણી ભૂખ માટેની પીડા સરકાર સમજે. સરકાર અમારી પીડા નહીં સમજે તો સરકારે પરીણામ ભોગવવું પડશે.
આ પણ વાંચોઃ Kheda: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ખાનગી લક્ઝરી બસમાં આગ, બસમાં સવાર 20 મુસાફરોનો આબાદ બચાવ
આ પણ વાંચોઃ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એસિડ એટેક, બાઇક સવારોએ મહિલાના મોઢા પર એસિડ છાંટતા મહિલા ઇજાગ્રસ્ત