
અંબાજી માટે ભાદરવી પૂનમનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ દિવસોમાં લાખો માઈ ભક્તો મા અંબાના ચરણોમાં શિશ નમાવવા પહોંચે છે. ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે ભાદરવી પૂનમે જ આટલી મોટી સંખ્યામાં ભક્તો અંબાજી કેમ પહોંચે છે? તેની પાછળની એક માન્યતા એવી છે કે ભાદરવી પૂનમ પછી તુરંત શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. આ શ્રાદ્ધ પક્ષમાં માતાજીને ઘરે પધારવા માટેનું આમંત્રણ આપી શકાતુ નથી. એટલે જ શ્રાદ્ધ પક્ષ શરૂ થાય એ પહેલા ભાદરવી પૂનમે ભક્તો મા અંબાને આમંત્રણ આપવા પહોંચે છે. કરોડો ભક્તોની એવી ભાવના હોય છે નવરાત્રિ દરમિયાન માતાજી પોતાના ઘરે, પોતાની શેરી, પોતાના શહેરમાં પધારે . ભક્તોની પ્રાર્થના હોય છે “હે મા અંબા.. હે મા દુર્ગા.. નોરતામાં મારા ઘરે, મારી શેરીમાં, મારા શહેરમાં પધારજો.” આ વર્ષોથી ચાલતી પરંપરાના કારણે ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. આ પદયાત્રાના કારણે ભાદરવી પૂનમે અંબાજીમાં મહામેળા જેવો માહોલ જામે અને મોટી સંખ્યામાં ભાવિકો અંબાજી પહોંચે છે.
ભાદરવી પૂનમની પદયાત્રા પાછળ એક લોકવાયકા પણ જોડાયેલી છે. પાટણના શિહોરીના રાજમાતાના કુંવર ભીમસિંહને 55 વર્ષ થયા હોવા છતા કોઈ સંતાન ન હતુ. રાજમાતાએ રામસિંહ રાયકા નામના સાધક પાસે આ અંગે સલાહ લીધી. ત્યારે તેમને જાણવા મળ્યુ કે તેમની કુળદેવી મા અંબા છે અને માતાજીના આશીર્વાદથી તેમને સંતાનસુખ પ્રાપ્ત થશે. અંબાજીના દર્શન કર્યા પછી ભીમસિંહને ત્યાં પુત્રનો જન્મ થયો હોવાની લોકમાન્યતા છે. ત્યારબાદ ભીમસિંહે સવા વર્ષ સુધી અંબાજીમાં યજ્ઞ કરવા અને 51 ભૂદેવોને જમાડવા માટે આમંત્રણ આપ્યુ. 1841ની ભાદરવા સૂદ દશમના દિવસે 51 બ્રાહ્મણો એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. આ પ્રથમ પ્રસંગ બાદ ભાદરવી પૂનમે પગપાળા સંઘની પરંપરા આગળ વધી અને આજે આ પરંપરા દેશવ્યાપી બની ચુકી છે.
ભાદરવા સૂદ પૂનમને કોજાગરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોજાગરી શબ્દનો અર્થ છે કોણ જાગે છે? લોકમાન્યતા પ્રમાણે ભાદરવી પૂનમની આ પવિત્ર રાત્રે માતાજી રાત્રિના સમયે પૃથ્વી પર ભક્તોની ભક્તિ અને જાગરણ જોવા માટે નીકળે છે. એવી માન્યતા છે કે માતાજી દરેક ભક્તને જાણે પૂછે છે “કોણ જાગે છે?” આથી પૂનમની રાત્રે ઘણા ભક્તો જાગરણ કરે છે. આ દરમિયાન ભજન કિર્તન અને માતાજીનું સ્મરણ કરે છે અને દીવા પ્રગટાવીને માતાજીની આરાધના કરે છે. આ આખી પરંપરામાં માતાજીની ભક્ત કરવાનો એક આદ્યાત્મિક ભાવ રહેલો છે. આ દરમિયાન માત્ર આંખોથી જાગવુ એવુ નહીં પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને સારા વિચારો સાથે પોતાના અંતરને પણ જાગ્રત રાખવુ. અંબાજીમાં ભાદરવી પૂનમની રાત્રિનો વિશેષ મહિમા છે. આ રાત માત્ર પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રની રાત્રિ નથી પરંતુ ભક્તો માટે માતા પ્રત્યેની શ્રદ્ધા, જાગરણ અને આશીર્વાદની ભાવનાથી ભરેલી પવિત્ર રાત્રિ માનવામાં આવે છે.
એક માન્યતા પ્રમાણે માતા સતીનું હ્રદય અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે આવેલા આસાસુર નામના પર્વત પર પડ્યુ. હ્રદય માટે એક શબ્દ ‘જી’ પણ વપરાય છે. પાર્વતી માતા અંબા સ્વરૂપ હતા એટલે મા અંબાનું હ્રદય એટલે જી અને જ્યા પડ્યુ એ સ્થાન કહેવાયુ અંબાજી.
તંત્ર ચુડામણીમાં પણ 51 શક્તિપીઠોના ઉલ્લેખ સાથે અંબાજીનો ઉલ્લેખ કરાયો હોવાનું મૂળ સ્ત્રોતમાં જણાવાયુ છે. અંબાજીમાં દેવી સત્તીના હ્રદયનો અને અર્બુદા ચલ (માઉન્ટ આબુ) પર અધર (હોઠ) નો ભાગ પડ્યો હોવાનું પણ જણાવાય છે. અંબાજી માત્ર શક્તિપીઠ તરીકે જ સ્થાન ધરાવતુ નથી. આ સ્થાન સાથે મા અંબાના શક્તિ સ્વરૂપોની કથા પણ જોડાયેલી છે. એવુ પણ કહેવાય છે કે માતાજી અહીં હજાર હાથ સાથે પ્રગટ થયા હતા અને મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો. આ કારણે જ તેમને મહિષાસુર મર્દિની કહેવામાં આવે છે.
દુર્ગા સપ્તશતિની અંદર મા અંબાનો ‘મહિષાસુર મર્દિની’ તરીકે ઉલ્લેખ છે. ત્યારે તેમા ક્યા મહિષાસુર વિશે કહેવાયુ છે. આ અંગે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ જણાવે છે કે શરીરમાં જે 6 રિપુ (શત્રુ) રહેલા છે તેના છેદન માટેનું છે. એક મહિષાસુર નામના રાક્ષસનું મર્દન એ બાહ્ય છે અને શરીરની અંદર 6 દુશ્મનો પડેલા છે તેને મારવા માટેનું કહેવાયુ છે. આદ્યાત્મિક જગતમાં સૌથી પહેલા દિક્ષા આપતા પહેલા શરીરમાંથી કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર (ઈર્ષ્યા)ને સહિતના આ છ દુશ્મનોથી મુક્ત થવુ પડે છે. આ દુર્ગુણોરૂપી 6 રિપુનો દુર્ગા સપ્તશતિમાં ઉલ્લેખ કરાયો છે.
હિંદુ પંચાગમાં ભાદરવો ખૂબજ પવિત્ર મહિનો માનવામાં આવે છે. ચોમાસુ વિદાય લઈ રહ્યુ હોય છે અને ધરતી પર ચારેબાજુ હરિયાળી છવાયેલી હોય છે. નદીઓ અને તળાવો પાણીથી છલોછલ ભરાઈ ગયા હોય છે. વરસાદને કારણે પ્રકૃતિ જાણે નવજીવન પામી હોય ત્યારે આ સમય આદ્યાત્મિક સાધના માટે અત્યંત શુભ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં ઋષિ-મુનીઓ પણ આ સમય દરમિયાન શક્તિની વિશેષ ઉપાસના કરતા હતા. ધીમે ધીમે આ પરંપરા લોકજીવન સાથે જોડાતી ગઈ અને ભાદરવી પૂનમના દિવસે માતાના દર્શનનું વિશેષ મહત્વ સ્થાપિત થયુ.
ચોક્કસ રીતે પ્રથમ પદયાત્રાની શરૂઆત ક્યારે થઈ તેની સ્પષ્ટ ઐતિહાસિક નોંધ ઉપલબ્ધ નથી. પરંતુ સ્થાનિક પરંપરા અને લોકવાયકા અનુસાર સદીઓ પહેલા ગામડાઓમાંથી ભક્તો પોતાના કુટુંબ સાથે પગપાળા અંબાજી આવતા હતા. તે સમયે વાહનવ્યવહાર આજના જેવો વિકસ્યો ન હતો. પહાડી રસ્તો હોવાથી વાહન વ્યવહારની કોઈ ખાસ સુવિધા પણ ન હતી. જંગલના રસ્તા, પહાડી માર્ગ અને નદીઓ અને લાંબું અંતર હોવા છતા માઈભક્તોના મનમાં એક જ ભાવ રહેતો કે માતાના દર્શન કર્યા વગર પાછા નથી જવુ. આ રીતે ધીમે-ધીમે પદયાત્રા એક મહાન પરંપરા બની ગઈ. આજના સમયમાં બસ, ટ્રેન, કાર સહિત અનેક સાધનો ઉપલબ્ધ છે છતા લાખો ભક્તો શા માટે આજે પણ પગપાળા જ જવાનું પસંદ કરે છે. તેનો જવાબ છે તેમના માટે આ માત્ર મુસાફરી નથી. આ શ્રદ્ધાની પરીક્ષા છે. દરેક પગલુ માતાને સમર્પિત હોય છે. દરેક શ્વાસમાં જય અંબેનો જાપ હોય છે અને દરેક થાકમાં માતાની કૃપાનો અનુભવ હોય છે.
ઘણા ભક્તો સમગ્ર યાત્રા દરમિયાન માતાનો ધ્વજ સાથે રાખે છે. આ ધ્વજ માત્ર એક કપડુ નથી પરંતુ તેને માતાની હાજરીનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે અંબાજી પહોંચી આ ધ્વજ માતાને અર્પણ કરવામાં આવે ભક્તની યાત્રા પૂર્ણ માનવામાં આવે છે. ઘણા પરિવારોએ પેઢીઓથી આ પરંપરા જાળવી રાખી છે. અંતે એ પવિત્ર ભાદરવી સુદ પૂનમનો દિવસ આવે છે. વહેલી સવારથી જ અંબાજીના માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર છલકાઈ જાય છે. મંદિરના ઘંટનાદ, શંખનાદ અને વેદમંત્રોના ઉચ્ચાર થાય છે ત્યારે લાખો ભક્તો કતારમાં ઉભા રહી માત્ર એક જ ક્ષણની રાહ જુએ છે મા અંબાના દર્શન થઈ જાય. આ દરમિયાન અનેક ભક્તોની આંખમાં આંસુ આવી જાય છે. ભક્તો માતાનો મનોમન આભાર વ્યક્ત કરે છે. આ ક્ષણ દરેક ભક્ત માટે જીવનભરનું સંભારણું બની જાય છે. આ ભાદરવી પૂનમ એ માત્ર યાત્રા નથી શ્રદ્ધાની સાચી વ્યાખ્યા સૂચવે છે. આ દિવસ આપણને શીખવે છે કે સાચી ભક્તિ સુવિધામાં નથી પરંતુ સ્વીકાર અને સમર્પણમાં છે. માતા સુધી પહોંચવાનો માર્ગ માત્ર ભક્તિ નહીં પરંતુ આસ્થા અને શ્રદ્ધામાંથી પસાર થાય છે. આ જ કારણ છે કે સદીઓ વીતી ગઈ, સમય બદલાયો પરંતુ ભાદરવી પૂનમની આ મહાન પરંપરા આજે પણ એટલી જ જીવંત છે.
Published On - 8:05 pm, Sat, 26 September 26